મેજર રામાસ્વામી પરમેશ્વરન


જ. ૧૩ સપ્ટેમ્બર, ૧૯૪૬ અ. ૨૫ નવેમ્બર, ૧૯૮૭

‘પેરી સાબ’ના હુલામણા નામે જાણીતા મેજર રામાસ્વામી પરમેશ્વરનનો જન્મ મુંબઈમાં તમિળ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા કે. એસ. રામાસ્વામી અને માતા જાનકી. તેમણે ૧૯૬૩માં સાઉથ ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી (SIES) હાઈસ્કૂલમાંથી શાળેય શિક્ષણ પૂર્ણ કર્યું. ૧૯૬૮માં SIES કૉલેજમાંથી વિજ્ઞાન વિષયમાં સ્નાતક થયા. પછી તેઓ ચેન્નાઈની ઑફિસર્સ ટ્રેનિંગ એકૅડેમીમાં જોડાયા અને ૧૯૭૨માં પાસ થયા. ૧૫મી મહાર રેજિમેન્ટમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે જોડાયા. ૮ વર્ષ સેવા આપી. તેઓ ૧૯૭૪માં લેફ્ટનન્ટ, ૧૯૭૯માં કૅપ્ટન અને ૧૯૮૪માં મેજર બન્યા. શ્રીલંકામાં ‘ઑપરેશન પવન’ માટે આઠમી મહાર બટાલિયનમાં તેમને શ્રીલંકા મોકલવામાં આવ્યા. ૨૪ નવેમ્બર, ૧૯૮૭ના રોજ રામાસ્વામીને બાતમી મળી કે કંતારોદાઈ ગામના ધર્મલિંગમને ત્યાં હથિયારો આવવાનાં છે. તેમણે કૅપ્ટન ડી. આર. શર્માને દસ જવાનો સાથે મોકલ્યા. રસ્તામાં મંદિર પાસે પહોંચતાં જ ટુકડી પર ગોળીબાર શરૂ થયો. આગળ વધવાનું શક્ય ન બનતાં રામાસ્વામી વીસ જવાનો સાથે કંતારોદાઈ પહોંચ્યા. ધર્મલિંગમના ઘરમાંથી કશું ન મળ્યું. પાછા ફરતી વખતે તમિળ ટાઇગર્સે તેમના પર હુમલો કર્યો. પોતાના સૈનિકોને બચાવવા તેમણે દસ સૈનિકોને સાથે લઈ દુશ્મનોને ઘેરવાની યોજના બનાવી. પોતાની સલામતીની ચિંતા કર્યા વગર તેઓ પેટથી ઘસડાઈને નાળિયેરીના બગીચા તરફ આગળ વધ્યા. એક ગોળી તેમના ડાબા કાંડા પર વાગી. તેમનો ડાબો હાથ લગભગ કપાઈ ગયો. તેમણે જમણા હાથથી ગોળીબાર ચાલુ રાખ્યો. તેમણે એક તમિળ ટાઇગરની રાઇફલ છીનવી તેને ગોળી મારી અને લડવાનું ચાલુ રાખ્યું. એ વખતે હેવી મોટર ગનની ગોળીઓ તેમની છાતીમાં વાગી. તેઓ સાથીદારોને દોરવણી આપતાં આપતાં વીરગતિ પામ્યા. બહાદુરી અને નિષ્ઠાપૂર્વક પોતાના સાથીદારોની જિંદગી બચાવવાના કાર્ય બદલ ભારત સરકારે લશ્કરના સર્વોચ્ચ સન્માન પરમવીરચક્ર(મરણોત્તર)થી તેમને નવાજ્યા. આર્મી વેલ્ફેર હાઉસિંગ ઑર્ગેનાઇઝેશન(AWHO)એ ૧૯૯૮માં તેમની યાદમાં ચેન્નાઈમાં આર્કોટ રોડ પરથી એક વસાહતનું નામ AWHO પરમેશ્વરન વિહાર રાખ્યું છે.