મેરી ક્યુરી


જ. 7 નવેમ્બર, 1867 અ. 4 જુલાઈ, 1934

રસાયણ અને ભૌતિકશાસ્ત્રનાં પ્રસિદ્ધ પોલિશ-ફ્રેન્ચ મહિલાવિજ્ઞાની. તેમનું મૂળ નામ મેનિયા સ્ક્લોદોવ્સ્કા. નાનપણથી જ ભણવામાં ખૂબ રસ તેથી હંમેશાં પુસ્તકો સાથે જ રાખતાં. નાની વયે જ માતાના અવસાનથી ઘણો આઘાત લાગ્યો પણ જિમ્નેસિયમ સેકન્ડરી સ્કૂલ ફોર ગર્લ્સમાં અભ્યાસ પૂરો કરી 12 જૂન, 1883માં ગોલ્ડ મેડલ સાથે હાઈસ્કૂલ ગ્રૅજ્યુએટ થયાં. પિતાના માથેથી આર્થિક બોજો હળવો કરવા ગવર્નેસ અને શિક્ષિકા તરીકે કામ કર્યું. પિતા પાસેથી વિજ્ઞાનના વિષયનો રસ મેળવ્યો હોવાથી 1891માં વોર્સો છોડી પૅરિસની સોરબોન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. આર્થિક મર્યાદાઓને લીધે દિવસે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં અને રાત્રે ભંડકિયામાં પૂરતાં ગરમ કપડાં વગર પણ પરીક્ષાની તૈયારી કરતાં. આમ છતાં 1893માં ગણિતશાસ્ત્રમાં અને 1894માં ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક થયાં. 1895ના વર્ષમાં ભૌતિકશાસ્ત્રી પિયેર ક્યુરી સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. ત્યારબાદ પૅરિસની સ્કૂલ ઑફ ફિઝિક્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ કેમિસ્ટ્રીની પ્રયોગશાળામાં ડૉક્ટરેટની ઉપાધિ માટેનું સંશોધનકાર્ય કરી મહાનિબંધ લખી મેરી ક્યુરીને ડૉક્ટરેટની ઉપાધિ મળી. 1903માં  ક્યુરી દંપતીને બૅકરલની સાથે પદાર્થ વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક એનાયત થયું. બીજા જ વર્ષે સોરબોન યુનિવર્સિટીમાં પિયેરની પ્રાધ્યાપક તરીકે નિયુક્તિ થઈ અને મેરી તેમનાં સહાયક બન્યાં. 19 એપ્રિલ, 1906માં માર્ગ પર ટ્રક-અકસ્માતમાં પિયેરનું અવસાન થયું. પતિના અવસાન બાદ મેરી વ્યાખ્યાતા તથા પ્રયોગશાળાનાં ઉપરી બન્યાં અને સોરબોન યુનિવર્સિટીમાં પ્રથમ મહિલાવ્યાખ્યાતા બન્યાં. કાચી ધાતુમાંથી શુદ્ધ રેડિયમને અલગ કરવા માટે 1911માં રસાયણશાસ્ત્રમાં બીજું નોબેલ  પારિતોષિક મળ્યું. આમ બે જુદા જુદા વિષયોમાં નોબેલ મેળવનાર પ્રથમ મહિલા બન્યાં. તેમણે શોધેલાં બે નવાં રેડિયોઍક્ટિવ તત્ત્વો પૈકી એકનું નામ મેરી ક્યુરીના વતન પોલૅન્ડ પરથી પોલોનિયમ અને બીજાને રેડિયમ નામ આપ્યું. તેમણે પોતાનું શેષ જીવન રેડિયોઍક્ટિવ પદાર્થો અને તેના તબીબી ઉપયોગના સંશોધન પાછળ ગાળ્યું. 1932માં રેડિયમ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપી, જે આજે ન્યુક્લિયર ફિઝિક્સ માટેનું અગત્યનું કેન્દ્ર છે. આજે પણ ‘રેડિયમ થૅરપી’ કૅન્સરના રોગ માટે અગત્યની સારવાર ગણાય છે. લાંબા સમય સુધી શરીર પર રેડિયોઍક્ટિવ વિકિરણોનું ઉદ્ભાસન થવાથી તેઓ લ્યૂકેમિયાના દર્દથી અવસાન પામ્યાં.