મૈત્રેયીદેવી


જ. ૧ સપ્ટેમ્બર, ૧૯૧૪ અ. ૨ ફેબ્રુઆરી, ૧૯૯૦

નાનપણથી જ કુશાગ્ર બુદ્ધિ ધરાવતાં મૈત્રેયીદેવીએ યુનિવર્સિટી ઑફ કલકત્તાની જોગમાયા દેવી કૉલેજમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી હતી. સોળ વર્ષની વયે તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઉદિતા’ (૧૯૨૯) પ્રગટ થયો. ત્યારપછી તેમના અન્ય ચાર કાવ્યસંગ્રહો ‘ચિત્તછાયા’ (૧૯૩૮), ‘સ્તબક’ (૧૯૬૩), ‘હિરણ્ય પાખી’ (૧૯૭૧) અને ‘આદિત્ય મરીચિ’ (૧૯૭૩) પ્રગટ થયા. તેમને સૌથી વધુ ખ્યાતિ આત્મકથાનક નવલકથા ‘ન હન્યતે’ દ્વારા મળી. તેમને ૧૯૭૬નો ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો. તેમના પિતાજી પાસે ભારતીય દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવા આવેલા ગ્રીક યુવક સાથેનાં પ્રણયસ્મરણોને વાચા આપતી આ નવલકથાનો ગુજરાતી સહિત અનેક ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે. રવીન્દ્રનાથ ટાગોર તેમના પિતાજીના મિત્ર હોવાથી મૈત્રેયીદેવીના ઘેર રહેલા તે દિવસોની રોજ-બ-રોજની ઘટનાઓ અને વાર્તાલાપોનું એક સંસ્મરણાત્મક પુસ્તક ‘મંગપૂતે રવીન્દ્રનાથ’ ૧૯૪૩માં પ્રકાશિત થયું. રમણીક મેઘાણીએ તેનો ગુજરાતી અનુવાદ ‘ગુરુદેવ અમારે આંગણે’ શીર્ષકથી કર્યો છે, જે ઘણો લોકપ્રિય બન્યો છે. આ ઉપરાંત ‘કવિ સાર્વભૌમ’, ‘રવીન્દ્રનાથ: ગૃહે ઓ વિશ્વે’ તથા ‘સ્વર્ગેર કાછાકાછિ જેમાં ટાગોરે લખેલા પત્રો અને સ્મરણોને ગૂંથવામાં આવ્યાં છે. નગીનદાસ પારેખે તેનો ગુજરાતી અનુવાદ ‘સ્વર્ગની લગોલગ’ શીર્ષકથી કર્યો છે. મૈત્રેયીદેવીનો રશિયા અને ચીનના ભ્રમણ વખતે કરેલાં પ્રવચનોને સંકલિત કરી ‘ઋગ્વેદેર દેવતા ઓ માનુષ’ નામે અભ્યાસગ્રંથ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત પ્રવાસગ્રંથો ‘આચેના ચીન’ (અજાણ્યું ચીન) અને ‘ચીન ઓ જાપાને’ પણ લખ્યાં છે. સમાજકલ્યાણના ક્ષેત્રે પણ તેમનું ઘણું પ્રદાન છે. ૧૯૭૨ના સ્વાતંત્ર્યસંગ્રામ વખતે બાંગ્લાદેશનાં અનાથ શિશુઓ માટે કૉલકાતા પાસે ‘ખેલાઘર’ નામે સંસ્થાની શરૂઆત કરી હતી. ૧૯૬૪માં તેઓ ‘ધ કાઉન્સિલ ફોર ધ પ્રમોશન ઑફ કૉમ્યુનલ હાર્મની’નાં સ્થાપક બન્યાં હતાં. ‘ધ ઑલ ઇન્ડિયા વિમેન્સ કો-ઑર્ડિનેટિંગ કાઉન્સિલ’નાં ઉપપ્રમુખ પણ બન્યાં હતાં.