મૈથિલીશરણ ગુપ્ત


જ. ૩ ઑગસ્ટ, ૧૮૮૬ અ. ૧૨ ડિસેમ્બર, ૧૯૬૪

હિન્દી ભાષાસાહિત્યના રાષ્ટ્રીય કવિ મૈથિલીશરણ ગુપ્તનો જન્મ ઝાંસી પાસેના ચિરગાંવમાં થયો હતો. માતાનું નામ કાશીબાઈ અને પિતાનું નામ રામચરણ કનકને. પિતા રામભક્ત હતા. પ્રાથમિક શિક્ષણ ચિરગાંવમાં અને માધ્યમિક શિક્ષણ મૈકડોનલ હાઈસ્કૂલમાં પ્રાપ્ત કર્યું. શાળામાં રમતગમતમાં ધ્યાન હોવાથી અભ્યાસ અધૂરો રહ્યો. તેમણે ઘરમાં જ હિન્દી, બંગાળી અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો. તેમણે ૧૨ વર્ષની ઉંમરે વ્રજભાષામાં ‘કનકલતા’ નામે કાવ્યરચના લખવાનો આરંભ કર્યો. તેમણે ખડી બોલીમાં કવિતાઓ લખી. તેમણે ‘રસિકેન્દ્ર’ નામથી કવિતાઓ, દોહા, છપ્પા, ચોપાઈ વગેરે લખ્યાં. તેમણે હિન્દીમાં પ્રબન્ધ કાવ્યપ્રકારનો આરંભ કર્યો. તેમણે એક મહાકાવ્ય, ૧૯ ખંડકાવ્યો, પાંચ પદ્યનાટકો, ૩ નાટકો, ઊર્મિગીતો દ્વારા હિન્દી સાહિત્યને સમૃદ્ધ કર્યું. પ્રથમ કાવ્યસંગ્રહ ‘રંગ મેં ભંગ’ અને પછી ‘જયદ્રથ વધ’ પ્રગટ થયો. ‘ભારત ભારતી’ (૧૯૧૨) કાવ્યસંગ્રહે તેમને રાષ્ટ્રકવિ બનાવ્યા. એમણે બંગાળીમાંથી ‘મેઘનાદ વધ’, ‘વિહરિણી વજ્રાંગના’ અને ‘પલાસીકા યુદ્ધ’, સંસ્કૃતમાંથી ‘સ્વપ્નવાસવદત્તા’, ‘પ્રતિમા’, ‘અભિષેક’, ‘અવિમારક’ અને ‘રત્નાવલી’ તેમજ ફારસીમાંથી ‘રુબાઇયાત ઉમર ખય્યામ’નો હિંદી ભાષામાં અનુવાદ કર્યો છે. તેમણે ૧૯૧૧માં ‘સાહિત્ય સદન’ નામે પોતાનું પ્રેસ શરૂ કર્યું. ઝાંસીમાં ‘માનસ-મુદ્રણ’ની સ્થાપના કરી. ૧૯૪૧માં તેમણે વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લીધો આથી એમની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ આરોપો પુરવાર ન થતાં સાત મહિના પછી છોડવામાં આવ્યા.  તેમને અનેક માન-સન્માનો પ્રાપ્ત થયાં હતાં. ‘સાકેત’ મહાકાવ્ય માટે ૧૯૩૫માં હિંદુસ્તાન અકાદમી પુરસ્કાર અને ૧૯૩૭માં મંગલાપ્રસાદ પુરસ્કાર મળ્યો હતો. ૧૯૪૬માં ‘સાહિત્યવાચસ્પતિ’ અને ૧૯૪૮માં આગરા વિશ્વવિદ્યાલય દ્વારા ડી.લિટ.ની ઉપાધિ આપવામાં આવી હતી. તેઓ ૧૯૫૨થી ૧૯૬૪ સુધી રાજ્યસભાના સભ્ય હતા. ભારત સરકારે હિન્દી સાહિત્યમાં તેમણે આપેલા પ્રદાન માટે ૧૯૫૪માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. ટપાલખાતાએ તેમની સ્મૃતિમાં પચ્ચીસ પૈસાની ટપાલટિકિટ બહાર પાડી છે.