યશ ચોપરા


જ. ૨૭ સપ્ટેમ્બર, ૧૯૩૨ અ. ૨૧ ઑક્ટોબર, ૨૦૧૨

હિન્દી ફિલ્મજગતના નિર્માતા, નિર્દેશક, ફિલ્મ-વિતરક તેમજ ફિલ્મસર્જનના જ્ઞાની. પિતા પી.ડબલ્યુ.ડી.માં એક સામાન્ય કારકુન તરીકે ફરજ બજાવતા હતા. આઠ ભાઈ-બહેનોમાં યશ ચોપરા સૌથી નાના હોવાથી સદા છત્રછાયામાં રહ્યા. જલંધરમાં ડોઆબા કૉલેજમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થી તરીકે અભ્યાસ શરૂ કર્યો સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રવૃત્ત સભ્ય પણ રહ્યા, પરંતુ ફિલ્મનિર્માણની લગનને કારણે અભ્યાસ અધૂરો મૂકીને તેઓ મુંબઈ સ્થાયી થયા. શરૂઆતમાં ફિલ્મસર્જક આઈ. એસ. જોહરના સહાયક તરીકે કામ કર્યા પછી ૧૯૫૯માં ફિલ્મ ‘ધૂલ કા ફૂલ’ સાથે ફિલ્મનિર્દેશનમાં પદાર્પણ કર્યું. મોટા ભાઈ બી. આર. ચોપરાના નિર્માણમાં બનેલી ફિલ્મ ‘વક્ત’માં નિર્દેશન કર્યું.  ૧૯૭૩માં ફિલ્મ ‘દાગ’ સાથે નિર્માતા અને નિર્દેશક તરીકે સ્વપ્ન સાકાર કર્યું. યશરાજ ફિલ્મ્સના બૅનર સાથે ‘દીવાર’, ‘કભી-કભી’, ‘ત્રિશૂલ’, ‘સિલસિલા’, ‘ચાંદની’, ‘લમ્હે’, ‘વીરઝારા’, ‘દિલ તો પાગલ હૈ’ જેવી અનેક યાદગાર ફિલ્મ એમણે બનાવી. પ્રણય ફિલ્મો એ યશ ચોપરાની ઓળખ હતી. પોતાની ફિલ્મના સંવાદો ઉપર તેઓ વિશેષ ધ્યાન અને માવજત રાખતા. તેથી યશરાજ ફિલ્મ્સના બૅનર તળેની ફિલ્મોના સંવાદો આજે પણ જનહૈયે જળવાયેલા છે. યશ ચોપરાના બે પુત્રો આદિત્ય ચોપરા તેમજ ઉદય ચોપરા પણ ફિલ્મનિર્માણ તથા નિર્દેશનમાં સંકળાયેલા છે. યશ ચોપરાને એમના યોગદાન બદલ ભારત સરકારે ૨૦૦૫માં પદ્મભૂષણના સન્માનથી નવાજ્યા. બી.બી.સી. એશિયા ઍવૉર્ડ, બ્રિટિશ એકૅડેમી ફિલ્મ્સ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્સ ઍવૉર્ડ, દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ, પંજાબ રત્ન ઍવૉર્ડ, લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ, સ્વિસ ગવર્નમેન્ટ ઍવૉર્ડ, ફિલ્મફેરના ઘણા ઍવૉર્ડ એમને પ્રાપ્ત થયા હતા. સ્વિટ્ઝર્લૅન્ડમાં યશ ચોપરાની પ્રતિમા અને ચોપરા લેઇક બનાવીને એમને સન્માનિત કરવામાં આવ્યા છે. ટૂંકી માંદગી બાદ ૮૦ વર્ષની ઉંમરે એમનું અવસાન થયું. હિન્દી સિનેજગતમાં યશ ચોપરાનું કામ તથા નામ અવિસ્મરણીય છે.