યુ. જી. કૃષ્ણમૂર્તિ


જ. ૯ જુલાઈ, ૧૯૧૮ અ. ૨૨ માર્ચ, ૨૦૦૭

આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ્ શહેરમાં જન્મેલા અને નજીકના ગુડીવાડા શહેરમાં ઊછરેલા યુ. જી. કૃષ્ણમૂર્તિ આગવી વિચારધારા ધરાવનાર ફિલૉસૉફર અને પ્રભાવક વક્તા હતા. એમણે આધ્યાત્મિક મુક્તિની સ્થિતિ સામે સવાલ ઉઠાવ્યો અને માત્ર ચૌદથી એકવીસ વર્ષની વયે એમણે વિવિધ આધ્યાત્મિક માર્ગો દ્વારા મોક્ષ સત્ય છે કે નહીં, એ જાણવાનો પ્રયાસ કર્યો. મદ્રાસ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી, પરંતુ એ પછી પોતાના મનના પ્રશ્નો શોધવા માટે એકવીસ વર્ષની વયે તેઓ રમણ મહર્ષિને મળ્યા અને તેમણે રમણ મહર્ષિને પૂછ્યું કે, ‘તમે મને મોક્ષ આપી શકો છો ?’ અને તેના જવાબમાં રમણ મહર્ષિએ કહ્યું, ‘હું આપી શકું છું, પણ શું તમે લઈ શકો છો ?’ આ પ્રશ્નોત્તરીએ યુ. જી. કૃષ્ણમૂર્તિને આધ્યાત્મિક માર્ગની ઓળખ આપી અને ૧૯૪૭થી ૧૯૫૩ સુધી ચેન્નાઈમાં જિદ્દુ કૃષ્ણમૂર્તિ દ્વારા અપાતાં પ્રવચનોમાં તેઓ નિયમિત ઉપસ્થિત રહેતા અને ત્યારબાદ એમની વચ્ચે ચર્ચાઓ પણ થતી, પરંતુ બંનેનાં મંતવ્યો જુદાં થતાં આ દીર્ઘ ચર્ચાનો અંત આવ્યો. એમણે એમના ૩૯મા જન્મદિવસે એક શારીરિક રૂપાંતરનો અનુભવ કર્યો, જેને તેઓ ‘આપત્તિ’ કહે છે. આ પરિવર્તને એમને કોઈ ધાર્મિક સંદર્ભ વિનાની એક એવી કુદરતી સ્થિતિ આપી, જે સ્વયંસ્ફુરિત, શુદ્ધ, ભૌતિક અને અસંવેદનાત્મક સ્થિતિ હતી. એ સમયે એમને લાગ્યું કે એમની પાટી સાફ થઈ ગઈ, હવે બધું ફરીથી શીખવું પડશે. એમની બિનપરંપરાગત ફિલસૂફી, વિશિષ્ટ મંતવ્યો અને ધારદાર રજૂઆતને કારણે એમને વિશે ઘણા વિવાદો ઊભા કર્યા. થિયૉસૉફિકલ સોસાયટી સાથે પ્રારંભમાં એ જોડાયેલા હતા અને ઘણી વાર પોતાના ‘શિક્ષક’ તરીકે એમણે જિદ્દુ કૃષ્ણમૂર્તિનો ઉલ્લેખ કર્યો હતો. જોકે અંતે એમના વિચારોનો અસ્વીકાર કર્યો હતો. ઇટાલીના વેલેક્રોસિયા શહેરમાં લપસી જવાથી તેઓ ઈજાગ્રસ્ત થયા અને સાત અઠવાડિયાં સુધી પથારીવશ રહ્યા. અવસાનના અગાઉના મહિને પોતાનું અંતિમ ભાષણ ‘માય સ્વાન સૉંગ’ લખીને આપ્યું હતું. તેઓ શિક્ષણમાં માનતા નહીં અને વ્યક્તિગત ચિત્તને બદલે વૈશ્વિક ચિત્તની વિભાવનાનો એમણે સ્વીકાર કર્યો હતો. તેઓ આત્મસાક્ષાત્કારમાં શ્રદ્ધા ધરાવતા નહોતા અને કેટલીય ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોને આડંબર ગણીને તેનો એમણે વિરોધ કર્યો હતો.