જ. 4 નવેમ્બર, 1888 અ. 11 ફેબ્રુઆરી, 1980

ભારતના જગપ્રસિદ્ધ ઇતિહાસકાર રમેશચંદ્ર મજુમદારે ઇતિહાસ વિષય સાથે એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરીને પ્રેમચંદ રાયચંદ સ્કૉલરશિપ મેળવી હતી. ‘કૉર્પોરેટ લાઇફ ઇન એન્શિયન્ટ ઇન્ડિયા’ વિષય પર મહાનિબંધ લખીને તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી અને ત્યાં વ્યાખ્યાતા તરીકે કામ પણ કર્યું હતું. ત્યારબાદ ઢાકા યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર અને તે પછી ઉપકુલપતિ તરીકે સેવા બજાવી હતી. બનારસ હિંદુ યુનિવર્સિટીમાં સેવા આપ્યા બાદ નાગપુર યુનિવર્સિટીની કૉલેજ ઑફ ઇન્ડોલૉજીના આચાર્ય તરીકે તેમણે યશસ્વી સેવા બજાવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સની શિકાગો અને પેન્સિલવેનિયા યુનિવર્સિટીએ તેમને મુલાકાતી પ્રાધ્યાપક તરીકે નિમંત્ર્યા હતા. રમેશચંદ્ર મજુમદાર ભારતની અને વિદેશની ઇતિહાસવિષયક સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા હતા. ઇન્ડિયન હિસ્ટ્રી કૉંગ્રેસ, ઑરિયેન્ટલ કૉન્ફરન્સ અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિસ્ટોરિકલ સ્ટડીઝના પ્રમુખ તરીકે તેમણે સફળ કામગીરી કરી હતી. તેઓ કૉલકાતાની એશિયાટિક સોસાયટી, ગ્રેટ બ્રિટન અને આયર્લૅન્ડની રૉયલ એશિયાટિક સોસાયટી તથા મુંબઈની એશિયાટિક સોસાયટીના માનાર્હ ફેલો હતા. તેઓ ભારતીય વિદ્યાભવન, મુંબઈના માનાર્હ અધ્યક્ષ અને ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ, પુણેના માનાર્હ સભ્ય હતા. ડૉ. રમેશચંદ્ર મજુમદારને ભારતની વિવિધ યુનિવર્સિટીઓ અને શિક્ષણ-સંસ્થાઓએ વ્યાખ્યાનમાળાઓ આપવા આમંત્રણ આપ્યું હતું. તેમના ઇતિહાસને લગતા અનેક સંશોધન-લેખો દેશવિદેશનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ થયા છે. ‘ધી અર્લી હિસ્ટ્રી ઑફ બૅંગોલ’ (1925) નામના લઘુગ્રંથમાં તેમણે ઉત્તર-વૈદિક કાળથી, પાલવંશનું શાસન સ્થપાતાં સુધીનો ઇતિહાસ આલેખ્યો છે. આ સિવાય તેમણે ‘હિંદુ કૉલોનિઝ ઇન ધ ફાર ઈસ્ટ’ (1944), ‘એશિયન્ટ ઇન્ડિયા’ (1952), ‘ધ ક્લાસિકલ એકાઉન્ટ્સ ઑફ ઇન્ડિયા’ (1960) જેવાં પુસ્તકો લખ્યાં છે. ઇતિહાસક્ષેત્રે કરેલા અમૂલ્ય પ્રદાનની કદર કરીને જાદવપુર યુનિવર્સિટી તથા કલકત્તા યુનિવર્સિટીએ તેમને ડિ.લિટ.ની માનાર્હ ઉપાધિ આપી હતી. કૉલકાતાની સંસ્કૃત કૉલેજ તરફથી તેમને ‘ભારતતત્ત્વભાસ્કર’નું બિરુદ અને મુંબઈની એશિયાટિક સોસાયટી તરફથી ‘કૅમ્પબેલ ગોલ્ડ મેડલ’ આપવામાં આવ્યા હતા.
અશ્વિન આણદાણી
