રવીન્દ્ર જૈન


જ. 28 ફેબ્રુઆરી, 1944 અ. 9 ઑક્ટોબર, 2015

ભારતીય સંગીતજગતમાં અમીટ છાપ છોડી જનાર પ્રજ્ઞાચક્ષુ શ્રી રવીન્દ્ર જૈન, પિતા ઇન્દ્રમણિ જૈન અને માતા કિરણ જૈનનું ત્રીજું સંતાન હતા. તેઓ ખૂબ નાની ઉંમરથી જ મંદિરોમાં ભજન ગાવા જતા. જન્મજાત પ્રતિભા અને સંગીત પ્રત્યેની લગનને લીધે શ્રી જૈન જનાર્દન શર્મા, નાથુરામ અને જી. એલ. જૈન જેવા ગુરુઓ પાસે કેળવાયા. અભ્યાસ બાદ તેમણે પ્રેયર સંગીત સમિતિ, અલાહાબાદમાંથી સંગીત પ્રભાકરની પદવી પ્રાપ્ત કરી. એ પછી કૉલકાતા જઈ રવીન્દ્ર સંગીત શીખ્યા. 1970માં પોતાની કાવ્ય અને સંગીતકલા અજમાવવા મુંબઈ આવ્યા. 1972માં ‘કાચ ઔર હીરા’ ફિલ્મમાં તેમનું ‘નજર આતી મંઝિલ’ ગીત રજૂ થયું. રાજશ્રી પ્રોડક્શનની લગભગ 16 ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું. યેશુદાસ, હેમલતા, આરતી મુખર્જી જેવાં ઘણા નવા ગાયકોને તેમણે તક આપી. રામાયણ ટીવી સિરિયલમાં તેમણે આપેલ પાર્શ્વગીત અને સંગીત ખૂબ લોકપ્રિય થયું. ‘અલીફલૈલા’, ‘શ્રીકૃષ્ણ’, ‘જય હનુમાન’ વગેરે જેવી પૌરાણિક સિરિયલોમાં સંગીત આપવાની સાથે તેમણે હિન્દી, ભોજપુરી, હરિયાણવી, બુંદેલખંડી, વ્રજ અને ગુજરાતી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું. 1973થી 2003 સુધીની તેમની સંગીતમય સફરમાં ‘સૌદાગર’, ‘ચોર મચાયે શોર’, ‘દો જાસૂસ’, ‘રામ તેરી ગંગા મૈલી’, ‘અખિયોં કે ઝરોખોં સે’ વગેરે ફિલ્મો જોડાઈ. બંગાળી અને મલયાળમ ભાષામાં તેમનાં ધાર્મિક આલબમ પણ બહાર પડ્યાં. ‘એક ડાલ પર તોતા બોલે’, ‘જબ દીપ જલે આના’, ‘ગીત ગાતા ચલ’, ‘તૂ જો મેરે સૂર મેં’ વગેરે જેવાં સુમધુર ગીતોથી તેઓ સારા ગીતકાર અને સંગીતકાર તરીકે લોકચાહના પામ્યા. લોકસંગીત અને ઑરકેસ્ટ્રામાં તેઓ નિપુણ હતા. કવિસંમેલન, મુશાયરાઓમાં તેઓ ભાગ લેતા અને ગીતોના કાર્યક્રમ રજૂ કરતા. 1997માં ઉત્તરપ્રદેશ હિંદી-ઉર્દૂ સાહિત્ય ઍવૉર્ડ સમિતિ, લખનઉ તરફથી શ્રી જૈને લખેલ શાયરીના પુસ્તક ‘ઉજાલોં કા સિલસિલા’ને સાહિત્યને લગતો ઍવૉર્ડ આપવામાં આવ્યો. તેમણે ‘સુનહરે પલ’ આત્મકથા લખી છે. 2015માં ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા. 1985માં શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર ઍવૉર્ડ પણ મળ્યો હતો.