જ. ૫ જુલાઈ, ૧૯૧૫ અ. ૭ નવેમ્બર, ૧૯૭૨

સાઠથી વધુ હિન્દી ચલચિત્રોમાં અભિનય કરનાર ચરિત્ર અભિનેતા રશીદ ખાનનો જન્મ વડોદરા, ગુજરાતમાં થયો હતો. ૧૯૪૬માં ફિલ્મ ‘ધરતી કે લાલ’થી તેમણે અભિનયની શરૂઆત કરી હતી. ૧૯૪૬થી ૧૯૭૪ની વચ્ચે તેમણે સાઠથી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેતા દેવ આનંદ સાથે તેમને ઘનિષ્ઠ સંબંધો હતા અને તેમણે લગભગ દેવ આનંદનાં મોટા ભાગનાં ચલચિત્રોમાં અભિનય કર્યો હતો. દેવ આનંદની ફિલ્મ પ્રોડક્શન કંપની નવકેતન ફિલ્મ્સની સૌથી પહેલી ફિલ્મ ‘અફસર’થી લઈને ‘બાઝી’, ‘ટૅક્સી ડ્રાઇવર’, ‘તેરે ઘર કે સામને’, ‘બમ્બઇ કા બાબૂ’ અને ‘કાલા બઝાર’ જેવી હિટ ફિલ્મોમાં મહત્ત્વની ભૂમિકાઓ કરી હતી. ૧૯૫૦થી ૧૯૭૦ના સમયમાં તેમણે રાજ કપૂર, શમ્મી કપૂર, ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન જેવા અનેક મશહૂર અભિનેતાઓ સાથે પણ કામ કર્યું હતું. મોટા ભાગે તેઓ પિતા, હીરોના સહાયક, વિલન, હાસ્ય કલાકારની ભૂમિકાઓ ભજવતા હતા. ૧૯૭૨માં ૫૭ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું હતું, પરંતુ મૃત્યુ પછી પણ ૧૯૭૪ સુધી તેમની ફિલ્મો આવી હતી. તેમની અભિનીત જાણીતી ફિલ્મોમાં ‘ધરકી કે લાલ’, ‘બાઝી’, ‘ટૅક્સી ડ્રાઇવર’, ‘શ્રી ૪૨૦’, ‘નવ દો ગ્યારહ’, ‘કાલા પાની’, ‘મુઝે જીને દો, ‘કાલા બાઝાર’, ‘પ્રોફેસર’, ‘દો દૂની ચાર’, ‘રાજકુમાર’, ‘બનારસી બાબૂ’ અને ‘છુપા રુસ્તમ’નો સમાવેશ થાય છે.
અમલા પરીખ