રાજિન્દર પુરી


જ. ૨૦ સપ્ટેમ્બર, ૧૯૩૪ અ. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૫

જાણીતા કાર્ટૂનિસ્ટ, કૉલમલેખક અને રાજકારણી રાજિન્દર પુરીનો જન્મ કરાંચીમાં થયો હતો. તેમના પિતા હવામાનશાસ્ત્રી હતા. પાંચ સંતાનોમાં સૌથી નાના રાજિન્દર પુરી ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે માત્ર તેર વર્ષની ઉંમરે પરિવાર સાથે દિલ્હીમાં સ્થાયી થયા. નાનપણથી જ કાર્ટૂન પ્રત્યે અત્યંત આકર્ષણ ધરાવતા રાજિન્દર પુરીએ સેન્ટ સ્ટીફન કૉલેજમાં અભ્યાસ કર્યો, પરંતુ તેમની ઇચ્છા ઇંગ્લૅન્ડ જઈને કાર્ટૂન અંગે અભ્યાસ કરવાની હોવાથી તેઓ ઇંગ્લૅન્ડ ગયા અને તેમનો અભ્યાસ પૂર્ણ થયા પછી થોડો સમય તેમણે ‘ધ માંચેસ્ટર ગાર્ડિયન’ અને ‘ધ ગ્લાસગો હેરલ્ડ’માં કાર્ટૂનિસ્ટ તરીકે કામ કર્યું. ઇંગ્લૅન્ડથી ૧૯૫૯માં ભારત આવ્યા પછી તેમણે ‘હિંદુસ્તાન ટાઇમ્સ’માં ૧૯૬૭ સુધી કામ કર્યું. ત્યારબાદ તેઓ ‘ધ સ્ટેટ્સમૅન’માં કાર્ટૂનિસ્ટ તરીકે કાર્યરત રહ્યા હતા. તેમનાં કાર્ટૂન ‘શંકર્સ વીકલી’માં પણ પ્રકાશિત થતાં હતાં. કટોકટી પછી તેમણે ૧૯૭૭માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને તેઓ જનતા પાર્ટીના સ્થાપક જનરલ સેક્રેટરી બન્યા. જનતા પાર્ટીના ભાગલા પડ્યા પછી થોડો સમય લોકદળ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાયા હતા, પરંતુ ૧૯૮૮ પછી તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. તેમના જીવનનાં પાછલાં પચીસ-ત્રીસ વર્ષ તેઓ ફ્રીલાન્સ પત્રકાર તરીકે અનેક અખબારો અને સામયિકોમાં કૉલમ લખતા હતા. તેમણે ‘ઇન્ડિયા ૧૯૬૯ : અ ક્રાઇસિસ ઑફ કૉન્સિયસ, ‘ઇન્ડિયા ધ વેસ્ટેડ ઇયર્સ : ૧૯૬૯-૧૯૭૫, ‘ગવર્નમેન્ટ ધેટ વર્ક્સ ઍન્ડ હાઉ’, ‘રિકવરી ઑફ ઇન્ડિયા’, ‘બુલ્સ આઈ’ જેવાં પુસ્તકો લખ્યાં છે.