રાજીવ કપૂર


જ. ૨૫ ઑગસ્ટ, ૧૯૬૨ અ. ૯ ફેબ્રુઆરી, ૨૦૨૧

હિન્દૃી ફિલ્મજગતના અભિનેતા, ફિલ્મનિર્માતા. હિન્દી સિનેમાના શોમેન રાજ કપૂર તથા ક્રિષ્ના કપૂરના સૌથી નાના પુત્ર રાજીવ કપૂરને અભિનય તેમજ ફિલ્મસર્જનની સૂઝ ગળથૂથીમાં જ મળી હતી. અત્યંત પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને સહજ અભિનય એ એમની ઓળખ હતી. ૧૯૮૩માં ફિલ્મ ‘એક જાન હૈ હમ’ સાથે રાજીવ કપૂરે હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કર્યું. ૧૯૮૫માં સ્વ. રાજ કપૂરના નિર્માણ અને નિર્દેશનવાળી અંતિમ ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’માં મુખ્ય ભૂમિકા કરીને તેઓ અત્યંત લોકપ્રિય બન્યા. ત્યારબાદ ‘આસમાન’ (૧૯૮૪), ‘લવર બૉય’ (૧૯૮૫), ‘મેરા સાથી’ (૧૯૮૫), ‘ઝબરદસ્ત’ (૧૯૮૫), ‘લાવા’ (૧૯૮૫), ‘જલજલા’ (૧૯૮૮) અને ‘હમ તો ચલે પરદેશ’ (૧૯૮૮) જેવી ફિલ્મોમાં એમણે અભિનય કર્યો, પરંતુ ત્યારબાદ અભિનયને તિલાંજલિ આપીને આર. કે. બૅનર હેઠળ નિર્માણ-નિર્દેશન કરવાનું શરૂ કર્યું. ‘આ અબ લોટ ચલે’, ‘પ્રેમગ્રંથ’ વગેરે ફિલ્મોમાં નિર્માણ તથા દિગ્દર્શન કર્યું. આરતી સભરવાલ સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા, પરંતુ બે વર્ષમાં જ બંને અલગ થઈ ગયાં. તેમણે ૧૯૯૫-૯૬ દરમિયાન દૂરદર્શન પર પ્રસારિત થતી સિરિયલ ‘વંશ’નું નિર્માણ કર્યું. પૃથ્વીરાજ કપૂરના પરિવારના કલાવારસાને રાજીવ કપૂરે ખૂબ આદરપૂર્વક જાળવ્યો. સહજ અભિનેતા અને સરળ વ્યક્તિ તરીકે રાજીવ કપૂરને ભાવકો યાદ કરે છે. હૃદયરોગના અચાનક હુમલાથી એમનું અવસાન થયું.