જ. 15 નવેમ્બર, 1923 અ. 31 ઑક્ટોબર, 2013

થિયૉસૉફિકલ સોસાયટીનાં પ્રમુખ રાધા બર્નિયરનો જન્મ તામિળનાડુના અડ્યારમાં થયો હતો. માતા ભાગીરથી. પિતા એન. શ્રીરામ થિયૉસૉફિકલ સોસાયટીના પાંચમા પ્રમુખ હતા. રાધાનું શિક્ષણ થિયૉસૉફિકલ શાળા નૅશનલ ગર્લ્સ હાઈસ્કૂલમાં થયું. તેમણે રુક્મિણી દેવી અરુંડેલના કલાક્ષેત્ર ફાઉન્ડેશનમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યની તાલીમ લીધી હતી. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી બી.એ. થયાં અને સંસ્કૃત વિષય સાથે એમ.એ.માં યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યાં હતાં. તેઓ 1935માં થિયૉસૉફિકલ સોસાયટીમાં જોડાયાં. 1945થી 1951 સુધી તેનાં ગ્રંથપાલ રહ્યાં. તેઓ 1959થી 1963 સુધી મદ્રાસ થિયૉસૉફિકલ ફેડરેશનનાં પ્રમુખ રહ્યાં. 1960થી સંસ્થાની જનરલ કાઉન્સિલનાં સભ્ય હતાં. 1960થી 1972 સુધી વારાણસીમાં બેસન્ટ થિયૉસૉફિકલ સ્કૂલ, કૉલેજ અને કન્યાછાત્રાલયની વ્યવસ્થાનું કામ કર્યું. તેઓ ન્યૂ લાઇફ ફોર ઇન્ડિયા ચળવળનાં સ્થાપક હતાં. 1960થી તેમણે વિશ્વભરમાં પ્રવચનો આપ્યાં. તેમણે 1982માં નૈરોબીમાં, 1993માં બ્રાઝિલિયામાં અને 2001માં ઑસ્ટ્રેલિયામાં યોજાયેલ થિયૉસૉફિકલ સોસાયટીના ત્રણ વિશ્વ કૉંગ્રેસનું નેતૃત્વ કર્યું. તેમણે 1980થી ‘ધ થિયૉસૉફિસ્ટ’નું અને અન્ય થિયૉસૉફિકલ જર્નલોનું પણ સંપાદન કર્યું. સંસ્થાની લાઇબ્રેરીના સંશોધન જર્નલ ‘બ્રહ્મવિદ્યા’નાં સંપાદક તરીકે કામગીરી બજાવી. તેમણે ‘હઠયોગ-પ્રદીપિકા’ અને ‘સંગીત રત્નાકર’નો અનુવાદ કર્યો હતો. તેમણે તેમના અવસાન સુધી સંસ્થાની લાઇબ્રેરીના જર્નલ ‘ઇન્ડોલૉજી’નું સંપાદન કર્યું હતું. તેઓ કૅલિફૉર્નિયાની ક્રોટોના ઇન્સ્ટિટ્યૂટ ઑફ થિયૉસૉફીનાં વડા હતાં. સિડનીમાં ધ મેનોર સેન્ટર અને હોલૅન્ડમાં ઇન્ટરનેશનલ થિયૉસૉફિકલ સેન્ટરનાં પ્રમુખ હતાં. આ ઉપરાંત અનેક સંસ્થાઓમાં પ્રમુખપદ શોભાવ્યું હતું. તેઓ ઇસ્ટર્ન ઑર્ડર ઑફ ઇન્ટરનેશનલ કો-ફ્રીમેસનરીનાં સ્થાપક અને વડા હતાં. ‘નો અધર પાથ ટુ ગો’, ‘ધ વે ઑફ સેલ્ફ-નૉલેજ’ અને ‘ટ્રૂથ, બ્યૂટી ઍન્ડ ગુડનેસ’ તેમનાં મહત્ત્વનાં પુસ્તકો છે. તેઓ થિયૉસૉફિકલ સોસાયટીમાં જોડાયાં એ પહેલાં ભારતીય ફિલ્મોની અભિનેત્રી હતાં. તેમણે 1951માં જીન રેનોઇરની ‘ધ રિવર’ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવી હતી. ભારતની નાગાર્જુન યુનિવર્સિટીએ 1984માં તેમને માનદ ડી.લિટ.ની પદવી એનાયત કરી હતી.
અનિલ રાવલ
