રામપ્રસાદ બક્ષી


જ. ૨૦ જૂન, ૧૮૯૪ અ. ૨૨ માર્ચ, ૧૯૮૭

ગુજરાતી સાહિત્યના પ્રશિષ્ટ પરંપરાના વિવેચક, સંપાદક અને અનુવાદક રામપ્રસાદ બક્ષીનો જન્મ જૂનાગઢમાં પ્રેમશંકર બક્ષીને ત્યાં થયો હતો. વતન મોરબી. તેમણે પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં અને માધ્યમિક શિક્ષણ રાજકોટ-વઢવાણમાં લીધું હતું. ૧૯૧૦માં વઢવાણથી મૅટ્રિક થયા. ૧૯૧૪માં સંસ્કૃત વિષય સાથે બી.એ. થયા. ૧૯૧૫થી તેઓ મુંબઈમાં સ્થિર થયા. ૧૯૨૭થી ૧૯૫૯ સુધી આનંદીલાલ પોદ્દાર હાઈસ્કૂલ, શાન્તાક્રૂઝના આચાર્યપદે રહ્યા. નિવૃત્તિ બાદ મીઠીબાઈ કૉલેજ, વિલેપાર્લેમાં ગુજરાતીના અધ્યાપક થયા. એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાં ત્રણ વર્ષ મુલાકાતી અધ્યાપક પણ રહેલા. તેઓ સંસ્કૃત અને અંગ્રેજીના સારા વાચક અને અભ્યાસી હશે તેવું તેમના લેખો પરથી કહી શકાય. બહુશ્રુતતાનો સ્પર્શ, શાસ્ત્રીયતાનો અભિગમ અને વિવરણપ્રધાન શૈલીવાળું તેમનું વિવેચન તેમને સંસ્કૃત પરિપાટીના વિવેચક તરીકે ઉપસાવે છે. ‘વાઙમયવિમર્શ’(૧૯૬૩)માં સાહિત્યના તત્ત્વની મીમાંસા કરતા લેખો છે. ‘નાટ્ય રસ’ અને ‘કરુણ રસ’માં ભારતીય સંગીતનૃત્યનાટ્ય મહાવિદ્યાલય, વડોદરાના ઉપક્રમે અપાયેલાં વ્યાખ્યાનો સંગૃહિત થયાં છે. તેમાં સંસ્કૃત નાટ્યસિદ્ધાંત અને પાશ્ચાત્ય નાટ્યમીમાંસાનો તુલનાત્મક અભ્યાસ છે. ‘ગોવર્ધનરામનું મનોરાજ્ય’(૧૯૭૬)માં ગોવર્ધનરામની તત્ત્વમીમાંસા અને સાહિત્યિક વિશેષતાની ચર્ચા કરતા લેખો છે. તેમની પાસેથી ‘ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીઝ સ્ક્રેપબુક’, ‘નરિંસહરાવની રોજનીશી’, કરસનદાસ માણેક ષષ્ઠિપૂર્તિગ્રંથ ‘અક્ષર આરાધના’ (અન્ય સાથે), ‘ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ’ વગેરે અનેક સંપાદનો મળ્યાં છે. અનુવાદક્ષેત્રે પણ તેમનું પ્રદાન નોંધપાત્ર છે. ‘કથાસરિતા’, ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય’ (નરિંસહરાવનાં વ્યાખ્યાનો, ભાગ ૧-૨), શીખધર્મસ્તોત્ર ‘સુખમની’ વગેરે તેમની અનૂદિત કૃતિઓ છે. ૧૯૭૬-૭૭માં પોરબંદર ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ હતા. તેમને ૧૯૬૦-૬૪નો નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.