જ. ૨૨ જૂન, ૧૯૦૭ અ. ૧૪ એપ્રિલ, ૧૯૯૬

કવિ અને વિવેચક તરીકે પ્રસિદ્ધિ પામેલા રામપ્રસાદ શુક્લનું મૂળ નામ રતિલાલ હતું અને ચૂડામાં તેમનો જન્મ થયેલો. તેમનું વતન તો વઢવાણ પણ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં લીધેલું. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃત મુખ્ય વિષય સાથે ૧૯૨૮માં બી.એ. થયા અને પછી લાંબા સમય બાદ ૧૯૪૪માં ગુજરાતી મુખ્ય વિષય સાથે એમ.એ. થયા. આરંભમાં સી. એન. વિદ્યાલયમાં શિક્ષક પછી અમદાવાદની એલ.ડી.આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક થયેલા. ૧૯૬૩થી ૧૯૭૩ સુધી ખંભાતની કૉલેજમાં આચાર્ય રહ્યા અને ૧૯૭૩માં નિવૃત્ત થયા. તે પછી અમદાવાદની મહિલા કૉલેજમાં આચાર્ય તરીકે કામગીરી બજાવેલી. ૬૦ સૉનેટનો તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘બિન્દુ’ (૧૯૪૩) બચુભાઈ રાવતની માવજત પામીને પ્રગટ થયો હતો. એમાં ‘વિનાશ અને વિકાસ’નાં ૨૫ સૉનેટના ગુચ્છમાં વિશ્વયુદ્ધની ભીષણતા પછીની પ્રફુલ્લતાનું આલેખન કવિના ચિંતક અને કવિ તરીકેના ભાવજગતને વ્યક્ત કરે છે. સંસ્કૃત વૃત્તોનો લયહિલ્લોળ, સહજ પ્રાસાનુપ્રાસ, તાજગીસભર અલંકારો તેમ જ સૉનેટના સ્વરૂપ અપેક્ષિત ભાવવળાંકોથી આ સૉનેટો કલાત્મક થયાં છે. ઘણા લાંબા સમયના અંતરાલ બાદ તેમની ૮૩ વર્ષની વયે ૧૯૯૩માં તેમની પાસેથી ‘સમય નજરાયો’ કાવ્યસંગ્રહ મળે છે. તેમાં પણ ‘સ્મૃતિ’ અને ‘સંસ્કૃતિ’ નામક બે સૉનેટગુચ્છો છે. આ ઉપરાંત તેમાં ગીત, ગઝલ, ભજન, રાસ, મુક્તક તેમ જ કેટલીક દીર્ઘરચનાઓ છે. નિરંજન ભગતે તેમની કવિતાને ‘બુદ્ધિપૂત ઊર્મિની કવિતા’ કહી છે. ‘સરિતાઓના સાન્નિધ્યમાં’ (૧૯૯૩) એ તેમની નદીઓની પદયાત્રાને આલેખતા નિબંધોનો સંગ્રહ છે. કવિ અને પ્રવાસવર્ણનના લેખક ઉપરાંત તેઓ વિદ્વાન વિવેચક તરીકે પ્રતિષ્ઠિત છે. તેમની પાસેથી ૧૯૪૭ અને ૧૯૪૮ની ગુજરાત સાહિત્ય સભા તરફથી પ્રગટ થતી વાર્ષિક ગ્રંથસમીક્ષાઓ મળી છે. જેમાં તેમનું વિવેચક પાસું વ્યક્ત થયું છે. ‘આપણું સાહિત્ય’ નામે ગુજરાતી સાહિત્યના ઇતિહાસલેખનનું (અન્ય સાથે) પુસ્તક પણ મળે છે. તેમને ગુજરાત સાહિત્ય સભા તરફથી ‘ધનજી કાનજી સુવર્ણચંદ્રક’ (મરણોત્તર) પ્રાપ્ત થયો હતો. અમદાવાદમાં તેમનું અવસાન થયેલું.
શ્રદ્ધા ત્રિવેદી