જ. 30 ડિસેમ્બર, 1865 અ. 18 જાન્યુઆરી, 1936

અંગ્રેજ કવિ, નવલકથાકાર અને વાર્તાકાર રુડ્યાર્ડ કિપ્લિંગનો જન્મ મુંબઈમાં થયો હતો. ઓગણીસમી સદીના અંગ્રેજ કથા- સર્જકોમાં તેઓ આગવું સ્થાન ધરાવે છે. પિતા જ્હોન કિપ્લિંગ અને માતા ઍલિસ કિપ્લિંગ. પિતા તે સમયે મુંબઈ યુનિવર્સિટીના પુરાતત્ત્વ વિભાગના વડા હતા. રુડ્યાર્ડ કિપ્લિંગે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઇંગ્લૅન્ડમાં લીધું. ઉચ્ચશિક્ષણ મેળવવા યુનાઇટેડ સર્વિસીઝ કૉલેજ, વેસ્ટવર્ડ હો ખાતે પ્રવેશ મેળવ્યો, પરંતુ સ્નાતકની પદવી મેળવવામાં રુચિ ન રહેતાં પત્રકારત્વ ક્ષેત્રે ઝંપલાવ્યું. તે સમયે પિતા લાહોરમાં હતા આથી 1882માં સ્થાનિક સમાચારપત્ર સિવિલ અને ગૅઝેટના મદદનીશ તંત્રીપદે જોડાયા ત્યારથી તેમની સાહિત્યજીવનની શરૂઆત થઈ. 1886માં પહેલો કાવ્યસંગ્રહ ‘ડિપાર્ટમેન્ટલ ડિટ્ટિસ’ પ્રકાશિત કર્યો. 1887 સુધીમાં 39 વાર્તાઓ ગૅઝેટ માટે લખી. 1887ના નવેમ્બરમાં કિપ્લિંગની બદલી અલાહાબાદમાં થઈ. ત્યાં તેઓ ‘ધ પાયોનિયર’ નામના સમાચારપત્ર સાથે જોડાયા. 1888માં ટૂંકી વાર્તાઓના છ સંગ્રહો બહાર પાડ્યા, તેમાં 41 વાર્તાઓ હતી. 1891ના પાછળના ભાગમાં અંગ્રેજો ભારતમાં હતા ત્યારની વાર્તા ‘લાઇફ્સ હૅન્ડિકૅપ’માં લખી. ‘રિસેશનલ’ કાવ્યથી તેમની કીર્તિ ખૂબ વધી. 1932માં તેમણે આત્મકથાનક ‘સમથિંગ ઑવ્ માયસેલ્ફ’ લખ્યું. તેમની સૌથી લોકપ્રિય બનેલી કૃતિ તે 1894 અને 1895માં બે ભાગમાં લખાયેલી ‘જંગલબુક’ તેમાં પશુપક્ષીઓના દૃષ્ટાંતથી તેમણે બાળકોને શિષ્ટ વાંચન પૂરું પાડ્યું છે. બીજું એક લોકપ્રિય સર્જન ‘કીમ’ છે. તે તેમની શ્રેષ્ઠ નવલકથા છે. તેમાં કુમારજીવનનાં સાહસોથી ભરેલી રસિક વાતો છે. તે વિશ્વસાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. તેઓ પ્રખર રાષ્ટ્રવાદી હતા. બ્રિટિશ સામ્રાજ્યના પ્રશંસક હોવા છતાં એકહથ્થુ સત્તાની આલોચના કરતા. 1907માં તેમને સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તે મેળવનાર તેઓ પ્રથમ અંગ્રેજ સાહિત્યકાર હતા. 1936માં તેઓ લંડનમાં અવસાન પામ્યા.
શુભ્રા દેસાઈ
