રેને લેનેડ


જ. 17 ફેબ્રુઆરી, 1781 અ. 13 ઑગસ્ટ, 1826

સ્ટેથોસ્કોપની સૌપ્રથમ શોધ કરનાર વિશ્વવિખ્યાત ફ્રેંચ ચિકિત્સક રેને લેનેકનો જન્મ ક્વિમ્પર ફ્રાન્સમાં થયો હતો. પાંચ વર્ષની વયે માતાનું અવસાન થતાં તેઓ કાકાની દેખરેખ હેઠળ નેનટેસમાં તબીબી અભ્યાસ કરવા ગયા. બાળપણમાં નબળું સ્વાસ્થ્ય ધરાવતા રેને લેનેક અભ્યાસમાં તેજસ્વી અને પ્રતિભાશાળી કારકિર્દી ધરાવતા હતા. પિતાની તબીબી શિક્ષણ માટેની અનિચ્છા હોવાથી રેને અભ્યાસ છોડી થોડા સમય માટે ગ્રામીણ વિસ્તારમાં જતા રહ્યા. અહીં તેમણે નૃત્ય અને સંગીતની તાલીમ લીધી. ખાસ કરીને વાંસળીવાદનમાં નિપુણતા પ્રાપ્ત કરી. વળી ત્યાં ગ્રીક ભાષાનો પણ ઊંડો અભ્યાસ કર્યો. 1799માં તેમણે ફરી તબીબી શિક્ષણ લેવાનું શરૂ કર્યું. તેમણે માનવશરીરરચના તથા ખાસ કરીને છાતીને લગતા રોગોનો અભ્યાસ કર્યો. શિક્ષણ પૂરું થતાં તેઓ પૅરિસની નેકર હૉસ્પિટલમાં કાર્યરત બન્યા. તેમણે કૉલેજ ડી ફ્રાન્સમાં પ્રોફેસર તરીકે કામ કર્યું. રેનેએ 1816માં સ્ટેથોસ્કોપની શોધ કરી. ગ્રીક ભાષામાં Stethos (chest) અને Stopos (examination). પહેલું સ્ટેથોસ્કોપ પોલી લાકડીનું હતું. આ ઉપકરણ 25 સેમી. × 2.5 સેમીના માપનું હતું. તેને લાકડીનું બનાવવા પાછળ એક કારણ, તેણે શાળામાં નાનાં બાળકોને પોલી લાકડીનો એક છેડો કાન પર રાખી બીજે છેડેથી ધ્વનિ સાંભળતાં જોયાં હતાં. બીજું કારણ, તેઓ એક સારા વાંસળીવાદક હોવાથી વાંસળીની ડિઝાઇનવાળું ઉપકરણ બનાવવાનું ઉચિત લાગ્યું. તેમના સમયમાં ડૉક્ટરો દર્દીની છાતી પર કાન રાખી ધબકારા સાંભળતા. જે તેમને અયોગ્ય લાગ્યું. ખાસ કરીને મહિલાઓને થોડું અસહજ લાગતું. 1820માં રેનેએ બનાવેલા સ્ટેથોસ્કોપની લોકપ્રિયતા ઇટાલી, જર્મની, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ વગેરે દેશોમાં વધવા માંડી. જોકે કેટલાક તબીબોએ તેમની મજાક કરતાં કહ્યું, ‘આપણી પાસે સાંભળવા માટે કાન છે તો સ્ટેથોસ્કોપનો ઉપયોગ શા માટે કરવો ?’ તેમણે પેરિટોઇનીટીસ, સિરોસિસ મેલાનોમા, મેટાસ્ટેસિસ, ટીબી વગેરેની પરિભાષા સમજાવી. તેઓ ખૂબ ધાર્મિક વૃત્તિ ધરાવતા દયાળુ, પરગજુ અને કટ્ટર કૅથલિક હતા. રોગનિદાન ક્ષેત્રે ક્રાંતિકારી, મૂળભૂત અને આવશ્યક શોધ માટે તથા ડૉક્ટરોની ઓળખ ગણાતા સ્ટેથોસ્કોપની શોધ કરનાર રેનેનું 45 વર્ષની વયે અવસાન થયું.