જ. ૨૮ જૂન, ૧૯૩૪ અ. ૧૮ જુલાઈ, ૨૦૦૧

શેરડીનાં ખેતરોમાં રમીને ક્રિકેટનો પ્રારંભ કરનાર રૉય ગિલક્રિસ્ટ જહાજી કંપનીમાં નોકરી કરતો હતો અને વેસ્ટ ઇન્ડીઝના કિંગસ્ટનમાં ખેલાતી બિકોન કપ સ્પર્ધામાં ખેલતો હતો. એ પછી જમૈકાના યુવકોની ટીમમાં પસંદ થયો અને ‘સ્પૉર્ટ્સમૅન ઑફ ધ ઇયર’ બન્યો. વેસ્ટ ઇન્ડીઝની આંતરટાપુઓની સ્પર્ધામાં જમૈકા તરફથી ચાર વખત રમ્યા બાદ તરત જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલવાની તક મળી. ૧૯૫૭ના ઇંગ્લૅન્ડના પહેલા પ્રવાસમાં એની ઝડપી ગોલંદાજીને વિશેષ સફળતા મળી નહીં, પરંતુ એ સમયે ટેસ્ટમાં ઇંગ્લૅન્ડના ગ્રેવનીને એવા ઝડપી દડાથી આઉટ કર્યો કે સ્ટમ્પના બે ટુકડા થઈ ગયા. રૉય ગિલક્રિસ્ટને બૅટ્સમૅનના શરીર પર વાગે તે રીતે ‘બીમર’ નાખવાનો શોખ હતો. આવા દડા નાખીને એ બૅટ્સમૅનનો આત્મવિશ્વાસ સમૂળગો નષ્ટ કરી નાખતો અને એથીયે વિશેષ એને ઘાયલ કરતો. વેસ્ટ ઇન્ડીઝના સુકાનીઓએ એને આવા દડા નાખવા નહીં, એવી ખાસ ચેતવણી આપી હતી. ૧૯૫૮-૫૯માં ભારતના પ્રવાસે આવેલો વેસ્ટ ઇન્ડીઝનો સુકાની ગેરી એલેક્ઝાન્ડર પણ આનાથી નારાજ હતો. ઘણી વાર તો બૉલિંગ કરવાની રેખાથી ચારેક ડગલાં આગળ વધીને બૅટ્સમૅનના શરીર પર દડો વીંઝતો હતો. નાગપુરની ચોથી ટેસ્ટમાં ભારતીય ખેલાડી એ.જી. ક્રિપાલસિંઘને પીચ પર ખૂબ આગળ વધીને ‘બીમર’ નાખ્યો અને ક્રિપાલસિંઘની પાઘડી પડી ગઈ અને એને માથામાં પુષ્કળ વાગ્યું. એ પછીની નૉર્થ ઝોનની મૅચમાં પણ ગિલક્રિસ્ટે આવો બીમર નાખવાની આદત છોડી નહીં અને સ્વર્ણજિતસિંઘ નામના ખેલાડી સામે એણે સતત બીમર નાખવા માંડ્યા. આ સ્વર્ણજિત અને વેસ્ટ ઇન્ડીઝના સુકાની ગેરી એલેક્ઝાન્ડર કેમ્બ્રિજમાં સહાધ્યાયી હતા. લંચ સમયે એલેક્ઝાન્ડરે ગિલક્રિસ્ટને બેસાડી રાખ્યો અને રિઝર્વ ખેલાડીને મેદાન પર આવવા કહ્યું. એ પછી બીજા ખેલાડીઓ પાકિસ્તાનના પ્રવાસે ગયા, ત્યારે સુકાની એલેક્ઝાન્ડરે એને કહ્યું કે, ‘તમે ફ્લાઇટ પકડીને પાછા જાવ’ અને આ ઘટના પછી રૉય ગિલક્રિસ્ટની કારકિર્દીનો અંત આવ્યો. ક્રિકેટની કામયાબી કરતાં ગિલક્રિસ્ટ એના હિંસક વર્તન અને ક્રોધી સ્વભાવને કારણે વધારે જાણીતો બન્યો હતો. એણે ૧૩ ટેસ્ટમાં ૩,૨૨૭ દડામાં ૨૬ રનની સરેરાશથી ૫૭ વિકેટ લીધી અને ૫૫ રનમાં ૬ વિકેટ એ એનો શ્રેષ્ઠ દેખાવ રહ્યો. જ્યારે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં એણે ૪૨ મૅચમાં ૮,૩૯૧ દડા નાખીને ૨૬ રનની સરેરાશની ૧૬૭ વિકેટ ઝડપી હતી.
કુમારપાળ દેસાઈ