જ. 24 ફેબ્રુઆરી, 1930 અ. 2 માર્ચ, 2015

પ્રકૃતિ સંરક્ષણ માટે કાર્ય કરનાર પક્ષીશાસ્ત્રી લવકુમાર ખાચરનો જન્મ જસદણમાં ભૂતપૂર્વ રાજવી પરિવારમાં થયો હતો. તેમનું બાળપણ હિંગોળગઢના પ્રાકૃતિક વાતાવરણમાં વીત્યું હતું. રાજકોટની રાજકુમાર કૉલેજમાં શિક્ષણ મેળવી સેન્ટ લુઇસ સેન્ટ સ્ટીફન્સ કૉલેજ, દિલ્હીમાંથી બી.એસસી. કર્યું. તેમણે 1956માં રાજકુમાર કૉલેજમાં અધ્યાપન કર્યું હતું. તેમણે યુવાનો પ્રકૃતિસંરક્ષણમાં જોડાય એ માટે પ્રયત્નો કર્યા. તેમણે નેચરક્લબ અને કૅમ્પિંગની શરૂઆત કરી. તેઓ બૉમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી (BNHS) અને વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર (WWF), ભારત સાથે જોડાયેલા હતા. તેમને વન્યજીવનના શિક્ષણ માટે WWF તરફથી અનુદાન પ્રાપ્ત થયું હતું. તેમણે 1984માં નેચર ડિસ્ક્વરી સેન્ટરના ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી હતી. અમદાવાદના સુંદરવનના વિકાસમાં તેમનો ફાળો રહ્યો હતો. તેમણે કચ્છના અખાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય બનાવવા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ ભારતનું પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. તેમણે ગીરના અભયારણ્યમાં વન્યજીવનના સંરક્ષણ માટે કાર્ય કર્યું હતું. ગ્રેટ હિમાલયન નૅશનલ પાર્ક અને ધ મરીન નૅશનલ પાર્ક એમ બે રાષ્ટ્રીય ઉદ્યાનોમાં તેમણે મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. તેમણે બૉમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી જેવી અન્ય સંસ્થાઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ગીરના જંગલમાં સર્વેક્ષણો કરી પક્ષીઓની પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કર્યું હતું. યુવાનો અને સાહસિકો માટે આઉટડોર સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા ‘બેક ટુ નેચર’ કાર્યક્રમ શરૂ કર્યો. તેઓ ‘હીંગોળગઢ નેચર કન્ઝર્વેશન એજ્યુકેશન સેન્ચ્યુરી’ના સ્થાપક હતા તેમજ દિલ્હી બર્ડ ક્લબના સભ્ય હતા. તેમણે કે. એસ. ધર્મકુમારસિંહજી સાથે ‘સિક્સ્ટી ઇન્ડિયન બર્ડઝ’ પુસ્તક લખ્યું હતું. WWF – ભારત માટે નેચર કૅમ્પ શરૂ કરવા અને વિકસાવવા માટે પ્રિન્સ ફિલિપ તરફથી તેમને પ્રમાણપત્ર મળ્યું હતું. 2004માં તેમને વેણુ મેનન લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ, દિલ્હી બર્ડ લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ અને સલીમ અલી – લોક વાન થો લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ મળ્યા હતા.
અનિલ રાવલ
