લાલા જગત નારાયણ


જ. ૩૧ મે, ૧૮૯૯ અ. ૯ સપ્ટેમ્બર, ૧૯૮૧

સંસદસભ્ય, પંજાબ વિધાનસભાના સભ્ય અને ધ હિંદ સમાચાર મીડિયા જૂથના સ્થાપક લાલા જગત નારાયણનો જન્મ હાલ પાકિસ્તાનમાં આવેલ ગુજરાંવાલા જિલ્લાના વઝીરાબાદ ખાતે થયો હતો. તેઓ ૧૯૧૯માં લાહોરની ડીએવી કૉલેજમાંથી સ્નાતક થયા બાદ લાહોરની એક લૉ કૉલેજમાં જોડાયા હતા. ૧૯૨૦માં મહાત્મા ગાંધીના અસહકાર આંદોલનમાં જોડાવાના આહવાન પર તેમણે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો. તેમને અઢી વરસની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ જેલવાસ દરમિયાન તેમણે લાલા લજપતરાયના અંગત સચિવ તરીકે કામ કર્યું હતું. ૧૯૨૪માં ભાઈ પરમાનંદના હિન્દી ભાષાના સાપ્તાહિક ‘આકાશવાણી’ના સંપાદક બન્યા હતા. આઝાદીની ચળવળ અને અલગ અલગ પ્રસંગોએ તેઓ લગભગ નવેક વરસ જેલમાં રહ્યા હતા. લાલા જગત નારાયણ સાત વર્ષ સુધી લાહોર શહેર કૉંગ્રેસ સમિતિના પ્રમુખ, લાહોર કૉર્પોરેશનમાં કૉંગ્રેસ પક્ષના નેતા, ત્રીસ વર્ષથી વધુ સમય સુધી પંજાબ પ્રાંતીય કૉંગ્રેસ સમિતિના સભ્ય અને લગભગ ૩૦ વરસ સુધી અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સભ્યપદે રહ્યા હતા. ઇન્દિરા ગાંધીની કટોકટી દરમિયાન તેમને MISA હેઠળ અટકાયત કરવામાં આવી હતી. આ ઘટના બાદ તેઓ પક્ષથી અલગ થઈ ગયા હતા. લાલા જગત નારાયણ લાહોરથી શરણાર્થી તરીકે જલંધર આવ્યા હતા અને તેમણે ૧૯૪૮માં ‘હિંદ સમાચાર’ નામનું ઉર્દૂ દૈનિક શરૂ કર્યું હતું. સ્વતંત્ર ભારતમાં ઉર્દૂને સરકારી  સમર્થન ન મળતાં, તેમણે ૧૯૬૫માં હિન્દી ભાષાના દૈનિક ‘પંજાબ કેસરી’ની સ્થાપના કરી હતી. પંજાબી સૂબા ચળવળ દરમિયાન ૧૯૫૭માં અકાલી દળે સ્વીકારેલ પ્રાદેશિક ફૉર્મ્યુલા, જે પંજાબમાં પંજાબી અને હિન્દી ભાષાઓને સમાન દરજ્જો આપવાનો પ્રસ્તાવ હતો તેનો વિરોધ કરવા માટે તેમણે મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું. ૧૯૯૮માં કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં નારાયણના નામે એક ચૅરની સ્થાપના કરવામાં આવી હતી અને ૯ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે લાલા જગત નારાયણની યાદમાં એક ટપાલટિકિટ બહાર પાડી હતી.