લીલા મજુમદાર


જ. 26 ફેબ્રુઆરી, 1908 અ. 5 એપ્રિલ, 2007

બાળવાર્તાઓનાં પ્રખ્યાત બંગાળી લેખિકા લીલા મજુમદારનો જન્મ કૉલકાતામાં થયો હતો. તેમનું મૂળ વતન નાદિયામાં ચકધા. તેઓ પ્રમાદ રંજનરાયનાં પુત્રી, ઉપેન્દ્રકિશોરરાય ચૌધરીનાં ભાભી અને સુધીરકુમાર મજુમદારનાં પત્ની હતાં. તેમણે સેંટ જોન ડાયોસેસન (Diocesan) સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. અહીંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક અને અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. બંને પરીક્ષાઓમાં અંગ્રેજી(સાહિત્ય)માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 1931માં દાર્જિલિંગ મહારાણી સ્કૂલમાં શિક્ષિકા તરીકેનો કાર્યભાર સંભાળ્યો. રવીન્દ્રનાથ ટાગોરના નિમંત્રણ પર શાંતિનિકેતનમાં પ્રવેશ મેળવ્યો. ત્યાર બાદ અધિક સમય લેખનકાર્યમાં વિતાવ્યો. આમ પણ તેમનો પરિવાર બાળસાહિત્યમાં ઉલ્લેખનીય યોગદાન માટે  જાણીતો હતો. બે દશકના લેખન બાદ તેઓ ‘ઑલ ઇન્ડિયા રેડિયો’માં નિર્માતા રૂપે કાર્યરત બન્યાં. તેમના ભત્રીજા સુકુમાર રાયે તેમને બાળકો માટે લખવા પ્રોત્સાહિત કર્યાં. તેમની સૌપ્રથમ બાળવાર્તા 1922માં ‘સંદેશ’માં પ્રગટ થઈ, ત્યારથી તેમની સાહિત્યિક કારકિર્દીનો પ્રારંભ થયો. આગળ જતાં તેઓ સફળ વાર્તાકાર તરીકે પ્રસિદ્ધિ પામ્યાં. એક ગ્રંથસૂચિ મુજબ તેમના લઘુકથાઓના સંગ્રહ સહિત 125 પુસ્તકો, સંયુક્ત લેખનનાં પાંચ પુસ્તકો, અનુવાદિત પાંચ પુસ્તકો તથા 19 સંપાદિત પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમની આત્મકથાત્મક રચના ‘પાક દોડી શિલાંગ’માં તેમણે તેમના બાળપણના દિવસો, શાંતિનિકેતન તથા ઑલ ઇન્ડિયા રેડિયોનાં તેમનાં શરૂઆતનાં વર્ષોનું નિરૂપણ કરેલ છે. તેમના કેટલાક ઉલ્લેખનીય વાર્તાસંગ્રહોમાં ‘પાડિપિસિર બર્મી બાકશ’ (1953), છોટોદેર શ્રેષ્ઠ ગલ્પ (1955), બાધેર ચોખ (1959), ગુપિર ગુપ્તખત (1959), બક ધાર્મિક (1960), એઈ જે દેખા (ટાગોર વિશે : 1961)નો સમાવેશ થાય છે. તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. જેમાં રાજ્ય પુરસ્કાર, સંગીત નાટક અકાદમી પુરસ્કાર, રવીન્દ્ર પુરસ્કાર વગેરે સમાવિષ્ટ છે. ઉત્તર બંગાળ અને કૉલકાતા વિશ્વવિદ્યાલય તરફથી તેમને માનદ ડી.લિટ.ની ઉપાધિ આપવામાં આવી હતી. 2019માં તેમના જીવન પર ‘પેરિસ્તાન – લીલા મજુમદાર કી દુનિયા’ શીર્ષકથી એક વૃત્તચિત્ર ફિલ્મ બનાવવામાં આવી છે.