વસંતરાવ કપ્તાન


જ. 5 ફેબ્રુઆરી, 1905 અ. 25 સપ્ટેમ્બર, 1974

જાણીતા વ્યાયામપ્રવર્તક, વડોદરામાં ગુજરાત ક્રીડામંડળ સંસ્થાના સ્થાપક અને સંચાલક તથા સરદાર પટેલ યુનિવર્સિટી(વલ્લભવિદ્યાનગર)ના ભૂતપૂર્વ શારીરિક શિક્ષણ-નિયામક વસંતરાવનો જન્મ વડોદરામાં મરાઠી કુટુંબમાં થયો હતો. વડોદરામાં તાત્યાસાહેબ સહસ્રબુદ્ધેના શિષ્ય અને નારાયણ ગુરુની પરંપરાની કુસ્તીના તે પારંગત હતા. તેમણે પુણેના ડેક્કન જિમખાનામાં તથા વડોદરાના હિન્દવિજય જિમખાનામાં કુસ્તીનાં દંગલોમાં ભાગ લીધો હતો અને ભારે નામના પણ મેળવી હતી. મોટી ઉંમરે અમેરિકાના સ્પ્રિંગફિલ્ડની શારીરિક શિક્ષણ કૉલેજમાં અભ્યાસ કરી અનુસ્નાતકની ઉપાધિ પણ પ્રાપ્ત કરી હતી. તેમણે વડોદરામાં ગુજરાત ક્રીડામંડળ નામની રમત-સંસ્થા સ્થાપી હતી. આ ઉપરાંત તેઓ ‘કપ્તાન’ નામનું માસિક ચલાવતા હતા. તેમના દૃઢ સંકલ્પબળે અનેક પ્રતિકૂળ સંજોગો હોવા છતાં 1936માં બર્લિન ખાતે, 1948માં લંડનમાં વેમ્બ્લી ખાતે તથા 1966માં મેક્સિકો ખાતે યોજાયેલી વિશ્વ ઑલિમ્પિક રમતોનું નિરીક્ષણ કરવા પહોંચી ગયા હતા અને તેમાંથી ઘણી ઉપયોગી બાબતો અપનાવી હતી. તેઓ અપરિણીત રહીને દેશી વ્યાયામ અને રમતોના પ્રસાર અને વિકાસ માટે અવિરત કાર્યરત રહ્યા હતા. ભારતીય આદર્શ અનુસાર વ્યાયામ અને અધ્યાત્મનો વિરલ સુમેળ તેમના જીવનમાં જોવા મળે છે. તેઓ રામાયણની સંગીતમય કથાની અત્યંત હૃદયંગમ રજૂઆત કરી શકતા. દેશી વ્યાયામ અને રમતોના પ્રસાર અને વિકાસમાં બહુમૂલ્ય ફાળો નોંધાવવા બદલ તેમના અવસાન બાદ વડોદરા મહાનગરપાલિકાએ રાજમહેલ રોડથી પોલો ગ્રાઉન્ડ તરફ જતા માર્ગને ‘વસંતરાવ કપ્તાન માર્ગ’ નામ આપી તેમના પ્રદાનની સ્મૃતિ કાયમ રાખી છે.