વસંત કૃષ્ણા દેસાઈ


જ. ૯ જૂન, ૧૯૧૨ અ. ૨૨ ડિસેમ્બર, ૧૯૭૫

ભારતીય ચલચિત્રજગતના વિખ્યાત સ્વરકાર અને વી. શાંતારામની ‘શકુન્તલા’ (૧૯૪૩), ‘ડૉ. કોટનીસ કી અમર કહાની’ (૧૯૪૬), ‘ઝનક ઝનક પાયલ બાજે’ (૧૯૫૫), ‘તૂફાન ઔર દિયા’ (૧૯૫૬), ‘દો આંખેં, બારા હાથ’ (૧૯૫૭) તથા વિજય ભટ્ટની ‘ગૂંજ ઉઠી શહનાઈ’ (૧૯૫૯), ‘સંપૂર્ણ રામાયણ’ (૧૯૬૧), ‘આશીર્વાદ’ (૧૯૬૮)  અને  હૃષીકેશ મુખર્જીની ‘ગુડ્ડી’ (૧૯૭૧)માં  સ્વરકાર તરીકે વિશેષ પ્રસિદ્ધ થયા. ‘પ્રભાત’ ફિલ્મ કંપનીની ‘ધર્માત્મા’ અને ‘સંત ધ્યાનેશ્વર’ જેવી ફિલ્મોમાં ગાયક-કલાકાર અને સ્વરકારની એમણે ભૂમિકા ભજવી, પરંતુ એ પછી માત્ર સ્વરકાર તરીકે જ પોતાની કારકિર્દીને આગળ ધપાવી. વી. શાંતારામ ઉપરાંત વિજય ભટ્ટ અને બાબુભાઈ મિસ્ત્રી જેવા નિર્માતાઓએ તૈયાર કરેલાં અનેક પૌરાણિક ચલચિત્રોની પણ એમણે સ્વરરચના કરી. શાંતારામની મોટા ભાગની ફિલ્મોમાં સંગીત આપનાર વસંત દેસાઈએ પ્રભાત ફિલ્મ કંપનીથી જુદા થઈને પોતાનો ફિલ્મ સ્ટુડિયો તૈયાર કર્યો અને ૧૯૫૦ના દાયકામાં શાંતારામ સાથેના સંબંધો વણસી જતાં એ પછી એમણે ક્યારેય પોતાના મેન્ટર વી. શાંતારામની ફિલ્મો માટે કામ કર્યું નથી. ૬૬ જેટલાં ચલચિત્રોની સ્વર-રચના કરનાર વસંત દેસાઈને રાષ્ટ્રપતિનાં સુવર્ણચંદ્રક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘દો આંખે, બારહ હાથ’નું ‘યે માલિક તેરે બંદે હમ’ (૧૯૭૫) અને ‘ગુડ્ડી’ ફિલ્મમાં વાણી જયરામે ગાયેલા એમના સર્વપ્રથમ ગીત ‘બોલ રે પપિહરા’ (૧૯૭૧) યાદગાર ગીતો બની રહ્યાં. વસંત દેસાઈએ ‘રામમાલિકા’માં સ્વરબદ્ધ કરેલા કાચી મઠનાં જગદગુરુ શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતીનાં સંસ્કૃત ભક્તિકાવ્યને ૧૯૬૬ની ૨૩મી ઑક્ટોબરે ‘યુનાઇટેડ નૅશન્સ દિવસે’ યુનોમાં ભારતરત્ન શ્રીમતી એમ. એસ. સુબ્બલક્ષ્મી દ્વારા ગાવામાં આવ્યું હતું. તેમણે તેમની કેટલીક સ્વરરચનાઓમાં મરાઠીના પવાડા અને લાવણીના પરંપરાગત સંગીતપ્રકારોને વણી લેવાનો સફળ પ્રયાસ કર્યો હતો. તેમના સંગીતનિર્દેશન હેઠળ તૈયાર થયેલ તેમના છેલ્લા ચલચિત્ર ‘તૂચ માઝી રાણી’(મરાઠી)ના રેકૉર્ડિંગ પછી તેઓ નિવાસ તરફ પરત જતા હતા ત્યારે લિફ્ટ તૂટી પડતાં અકસ્માતથી તેમનું અવસાન થયું હતું.