વાડીલાલ મોતીલાલ શાહ


જ. ૧૧ જુલાઈ, ૧૮૭૮ અ. ૨૧ નવેમ્બર, ૧૯૩૧

ગુજરાતી સાહિત્યના ઉત્તમ નિબંધલેખક. એમનું વતન અમદાવાદ જિલ્લાનું વિશલપુર ગામ. પ્રાથમિક શિક્ષણ વિરમગામમાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. પોતાની જરૂરિયાતોને પહોંચી વળવા ટ્યૂશન પણ તેઓ કરતા હતા. કૉલેજના અભ્યાસ દરમિયાન મુનિશ્રી છગનલાલજી સ્વામીના સંપર્કમાં આવ્યા. બાળપણથી જ પિતાએ ધાર્મિક સંસ્કાર આપેલા. જૈન સમાજમાં જાગૃતિ લાવવા માટે એમણે એક માસિકપત્ર શરૂ કરવાનું વિચાર્યું. તેઓ જે લખતા તેમાં વિષયવૈવિધ્ય એટલું હતું કે એમણે ત્રીસથી પણ વધારે ઉપનામો રાખેલાં. થોડાંક ઉપનામો જોઈએ – ‘કૈવલ્ય’, ‘અનેકાન્તવાદી’, ‘ભમતો ભૂત’, ‘વનિતાનો વકીલ’, ‘શાહ’ વગેરે. તેમના રસના વિષયો વેદાંત અને જૈનદર્શનના રહ્યા હતા. તત્ત્વજ્ઞાની શોપનહોઅર અને નિત્શેથી તેઓ ખૂબ પ્રભાવિત થયેલા. એમણે સાહિત્યમાં વિપુલ સર્જન કર્યું છે. તેમના સાહિત્યમાંથી પસાર થતાં કોઈ સાધકનું સર્જન હોય તેમ લાગે. તેમનાં લખાણો અભ્યાસીઓને ઉપયોગી થાય તેવાં છે. તેમણે જૈન ધર્મના વાડા ભૂલીને જૈન વિદ્યાર્થીગૃહની સ્થાપના કરેલી. તેમણે નવલકથાઓ આપી છે તેમાં મુખ્યત્વે ધર્મતત્ત્વને કેન્દ્રમાં રાખીને લખાયેલી છે. જેમાં ‘નમીરાજ’ (૧૯૦૬), ‘સુદર્શન’ ભાગ-૧ (૧૯૦૮) અને ‘મૃત્યુના મોંમાં અથવા અમૃતલાલનું અઠવાડિયું’ (૧૯૨૧) ઉલ્લેખનીય છે. તેમણે લખેલી ધર્મકથાઓમાં ‘સતી દમયંતી’ (૧૯૦૨), ‘ઋષિદત્તા આખ્યાયિકા’ (૧૯૦૪) અને ‘મસ્તવિલાસ’ (૧૯૨૫). ‘શ્રી મહાવીર’ (૧૯૦૮) શીર્ષક સૂચવે છે તેમ ચરિત્રનો ગ્રંથ છે. એમણે થોડાં સંપાદનો પણ કર્યાં છે. ‘મહાત્મા કબીરનાં આધુનિક પદો’ ભાગ-૧, ‘ધર્મસિંહ બાવની’, ‘જૈન સમાચાર ગદ્યાવલિ’ ખંડ ૧-૮ અને ખંડ ૯-૧૦. વાડીલાલનાં અન્ય નોંધપાત્ર પુસ્તકોમાં ‘પોલિટિકલ ગીત અથવા ધી ફિલૉસૉફી ઑફ લાઇફ’, ‘આર્યધર્મ’, ‘પ્રાયશ્ચિત્ત’ અને જૈન ધર્મના સ્તોત્ર વિશે, ભગવાન મહાવીર વિશે, પર્યુષણ પર્વ વિશે અનેક પુસ્તકો એમની પાસેથી મળે છે.  ‘જૈન હિતેચ્છુ’ માસિક અને ‘જૈન સમાચાર’ સાપ્તાહિકના તંત્રીપદે પણ રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણીએ એમને ‘ચિંતનગદ્યના જનક’ તરીકે બિરદાવ્યા છે. બળવંતરાય ઠાકોરે વિલક્ષણ ગદ્યકાર અને મૂર્ધન્ય વિવેચક ગણાવ્યા છે.