જ. 11 માર્ચ, 1915 અ. 18 ડિસેમ્બર, 2004

ટેસ્ટ ટીમના સુકાની તરીકે એક ટેસ્ટના બંને દાવમાં સદી કરનાર, ટેસ્ટ ક્રિકેટમાં સૌપ્રથમ 1000 અને 2000 રન પૂરા કરનાર ભારતીય ખેલાડી તેમજ ટેસ્ટ ક્રિકેટમાં લાગલગાટ ત્રણ દાવમાં સદી નોંધાવનારા પ્રથમ ભારતીય ખેલાડી વિજય હઝારેનો જન્મ મહારાષ્ટ્રના સાંગલી શહેરમાં થયો હતો. તેમનું પૂરું નામ વિજય સેમ્યુઅલ હઝારે હતું. તેઓ મરાઠી ખ્રિસ્તી હતા. 1934-35માં 19 વર્ષની વયે તેમણે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. 1939-40માં પુણે ખાતે વડોદરા સામે મહારાષ્ટ્ર તરફથી રમતાં તેમણે ત્રેવડી સદી ફટકારતાં અણનમ 316 રન નોંધાવ્યા હતા., જે તેમની ક્રિકેટ કારકિર્દીનો સર્વોચ્ચ વ્યક્તિગત જુમલો હતો. વડોદરા સ્થાયી થયા બાદ તેમણે વડોદરા રાજ્યની ટીમ તરફથી રણજી ટ્રૉફી સ્પર્ધામાં રમવાનું શરૂ કર્યું હતું. 1946-47માં વડોદરા ખાતે વડોદરા તરફથી હોલકરની ટીમ સામે રમતાં વિજય હઝારેએ શાનદાર 288 રન નોંધાવ્યા હતા અને ગુલ મોહંમદ સાથે ચોથી વિકેટની ભાગીદારીમાં 577 રન ઉમેર્યા હતા. 1939-40ની રણજી ટ્રૉફી સીઝનમાં મહારાષ્ટ્રની ટીમને વિજય અપાવવામાં બૅટ્સમૅન વિજય હઝારેનું મહત્ત્વનું યોગદાન રહ્યું. એ પછી મહારાષ્ટ્રની ટીમ રણજી ટ્રૉફી મેળવી શકી નથી. 1946માં લૉડ્ઝ ખાતે ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં તેમણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. 1947-48માં ઑસ્ટ્રેલિયા ખાતે ટેસ્ટ ક્રિકેટમાં તેમનો દેખાવ શાનદાર રહ્યો હતો. ઑસ્ટ્રેલિયાના ઝડપી બૉલરોનો સામનો કરી એડિલેડ ટેસ્ટમાં તેમણે બંને દાવમાં સદીઓ નોંધાવી હતી. એવી સિદ્ધિ મેળવનારા તેઓ ભારતના સૌપ્રથમ બૅટ્સમૅન બન્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં 1946થી 1953ના ગાળામાં તેમણે 30 ટેસ્ટમૅચોના બાવન દાવમાં છ વાર અણનમ રહીને સાત સદી, નવ અર્ધસદી સાથે 47.65ની સરેરાશથી કુલ 2192 રન નોંધાવ્યા હતા. ઇંગ્લૅન્ડ સામે 1952માં નવી દિલ્હી ખાતે પ્રથમ ટેસ્ટમાં નોંધાવેલો 164નો જુમલો સર્વોચ્ચ જુમલો હતો. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં તેમણે 60 સદીઓ સહિત કુલ 18,740 રન નોંધાવ્યા હતા. વિજય હઝારેએ કુલ 14 ટેસ્ટમૅચોમાં ભારતનું કપ્તાનપદ સંભાળ્યું હતું જેમાં એક વિજય, પાંચ પરાજય અને આઠ અનિર્ણીત મૅચો રહી હતી. ઑસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન સર ડૉન બ્રેડમૅનને તેમણે ત્રણ વાર આઉટ કર્યા હતા. 1960માં પદ્મશ્રીના ખિતાબથી તેમને સન્માનવામાં આવ્યા હતા. તેમના નામ સાથે એકદિવસીય ડોમેસ્ટિક ક્રિકેટ ચૅમ્પિયનશિપ યોજાય છે, જે વિજય હઝારે ટ્રૉફી તરીકે પ્રસિદ્ધ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 1996માં હઝારેને સી. કે. નાયડુ લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ આપ્યો હતો.
અમલા પરીખ
