જ. 30 નવેમ્બર, 1874 અ. 24 જાન્યુઆરી, 1965

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન, સમર્થ રાજપુરુષ અને ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર વિન્સ્ટન ચર્ચિલનો જન્મ વુડસ્ટોક, લંડનમાં થયો હતો. પિતા રૅન્ડોલ્ફ ચર્ચિલ. વિન્સ્ટન ચર્ચિલ હેરો અને સેન્ડહર્સ્ટ કૉલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ 1895માં લશ્કરમાં જોડાયા. 1900માં તેઓ ઓલ્ડમમાંથી રૂઢિચુસ્ત પક્ષના સભ્ય તરીકે આમસભામાં જોડાયા, પરંતુ 1906માં ઉદારમતવાદી પક્ષમાં ભળ્યા. 1908માં તેમને ગૃહખાતાનો હવાલો સોંપવામાં આવ્યો. 1911માં ચર્ચિલને નૌકાખાતામાં (ફર્સ્ટ લૉર્ડ ઑવ્ એડમિરલ્ટી) તરીકે મૂકવામાં આવ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સેનાપતિ લૉર્ડ ફિશર સાથે મતભેદ થતાં રાજીનામું આપી લશ્કરમાં જોડાયા. ફ્રાન્સની ભૂમિ પર જર્મની સામે લડવા પણ ગયા. સમય જતાં ઉદારમતવાદી પક્ષ સાથે પણ મતભેદો થતાં ફરી રૂઢિચુસ્ત પક્ષમાં જોડાયા. 1924માં પક્ષના ઉમેદવાર તરીકે આમસભામાં ચૂંટાયા અને બોલ્ડવિન પ્રધાનમંડળમાં તેમને નાણાખાતું સોંપાયું. તેમણે દેશમાં સોનાનું ચલણ ફરી શરૂ કર્યું. કરવેરામાં ફેરફારો કરી દેશના અર્થતંત્રને યુદ્ધની અસરમાંથી મુક્ત કરી ફરી ચેતનવંતું બનાવ્યું. 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં વડાપ્રધાન નેવિલના પ્રધાનમંડળમાં તેમને નૌકાખાતું સોંપવામાં આવ્યું. 1940માં નેવિલે રાજીનામું આપતાં ચર્ચિલ બ્રિટનના વડાપ્રધાન બન્યા. તેઓ 1940થી 1945 સુધી વડાપ્રધાનપદે રહ્યા. બીજા વિશ્વયુદ્ધમાં ઇંગ્લૅન્ડ અને મિત્રરાજ્યોને વિજય અપાવવામાં તથા હિટલરના ભયની સામે લોકોનું દેશાભિમાન જગાડવામાં તેમનો મોટો ફાળો હતો. તેમણે દેશને વિજય અપાવવા માટે આપેલો સંકેત V (V for victory) ઇંગ્લૅન્ડના રાષ્ટ્રીય સ્વાભિમાન અને ખમીરનું પ્રતીક બની ગયો. તેઓ યુદ્ધ પછીના નૂતન વિશ્વના નિર્માણકર્તાઓમાંના એક ગણાતા. 1951ની ચૂંટણીમાં ચર્ચિલનો રૂઢિચુસ્ત પક્ષ વિજયી બનતાં 77 વર્ષની વયે પ્રધાનમંડળની રચના કરી. તેમણે લખેલ આત્મકથાત્મક યુદ્ધ-સંસ્મરણો ‘ધ સેકન્ડ વર્લ્ડ વૉર’ વિશ્વસાહિત્યમાં નોંધપાત્ર બની રહ્યું અને મુખ્યત્વે એ માટે જ 1953માં તેમને સાહિત્ય નોબેલ પારિતોષિકથી સન્માનવામાં આવ્યા.
શુભ્રા દેસાઈ
