ગ્રીસના અત્યંત પ્રભાવશાળી રાજપુરુષ, પ્રખર વક્તા અને ઍથેન્સ નગરના જનરલ પેરિક્લિસે (ઈ. સ. પૂર્વે ૪૯૫થી ઈ. સ. પૂર્વે ૪૨૯) ઍથેન્સ નગરના સમાજજીવન પર ગાઢ પ્રભાવ પાડ્યો. એને ઍથેન્સનો ‘પ્રથમ નાગરિક’ તરીકે ઓળખવામાં આવ્યો. એણે ઍથેન્સમાં કલા અને સાહિત્યની પ્રવૃત્તિને ઉત્તેજન આપીને પ્રાચીન ગ્રીસના આ નગરને શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવ્યું. પેરિક્લિસ એ લોકશાહીનો પ્રબળ પુરસ્કર્તા હતો અને ઉત્તમ શાસક હોવા છતાં પ્રજામાં એના ટીકાખોરો અને નિંદાખોરો તો હતા. એક દિવસ એના એક પ્રખર વિરોધીએ પેરિક્લિસ પર આક્ષેપોનો મારો ચલાવ્યો. સવારથી એને વિશે બેફામ વિધાનો કર્યાં. દોષારોપણ કર્યાં અને ગુસ્સાભેર એની સમક્ષ અપમાનજનક વચનો કહ્યાં. પેરિક્લિસ વિરોધીઓની ટીકાથી સહેજે અકળાતો નહીં. એ શાંતિથી સઘળું સાંભળતો રહ્યો. એના વિરોધીએ આખી બપોર આક્ષેપબાજીમાં ગાળી અને સાંજ પડી છતાં એ અટક્યા નહીં. અંધારું થવા લાગ્યું. પેલો વિરોધી બોલી બોલીને અને હાથ ઉછાળી ગુસ્સો કરીને થાક્યો. એ ઘેર જવા લાગ્યો ત્યારે પેરિક્લિસે એના સેવકને બોલાવીને કહ્યું, ‘તું એની સાથે ફાનસ લઈને જા. અંધારામાં એને રસ્તો નહીં જડે અને ક્યાંક ભૂલો પડી જશે.’ પેરિક્લિસનાં આ વચનો સાંભળી એનો પ્રખર વિરોધી વિચારમાં પડ્યો. એના પર આક્ષેપોની ઝડી વરસાવી. કશું કહેવામાં બાકી રાખ્યું નહીં છતાં પેરિક્લિસ મારી આટલી બધી સંભાળ લે છે. આમ વિચારતાં એનો ગુસ્સો ઓગળી ગયો અને પોતાના દુર્વર્તન બદલ ક્ષમા માગી.
કુમારપાળ દેસાઈ