વિલિયમ ગોલ્ડિંગ


જ. ૧૯ સપ્ટેમ્બર, ૧૯૧૧ અ. ૧૯ જૂન, ૧૯૯૩

ઈ. સ. ૧૯૮૩નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિલિયમ ગોલ્ડિંગનો જન્મ ઇંગ્લૅન્ડના સેંટ કોલંબસ માઈનાર નામના સ્થળે થયો હતો. પિતાનું નામ એલેક અને માતાનું નામ મિલ્ફ્રેડ. જન્મસ્થળ માર્લબરો ગ્રામર સ્કૂલમાં પ્રારંભિક શિક્ષણ લઈ તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં દાખલ થયા. કૉલેજ- શિક્ષણ પૂરું કરી તેમણે અધ્યાપનક્ષેત્રે કાર્ય કર્યું. ઑક્સફર્ડની જે સંસ્થામાંથી તેમણે સ્નાતકની પદવી લીધી હતી ત્યાં જ તેઓ માનાર્હ ફેલો થયેલા. ઈ. સ. ૧૯૪૦માં એન બ્રુકફિલ્ડ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. સંગીત અને ગ્રીક ભાષાનું વાચન તેમના શોખના વિષયો હતા. બીજા વિશ્વયુદ્ધ વખતે તેઓ નૌકાદળમાં જોડાયા. ૧૯૪૪માં તેઓ એક યુદ્ધનૌકાના કમાન્ડર હતા. જર્મન યુદ્ધ-જહાજ ‘બિસ્માર્ક’ને તેમણે સમુદ્રમાં ગરકાવ થતું જોયું હતું. યુદ્ધ પૂરું થયા બાદ તેઓ પુન: અધ્યાપનકાર્યમાં જોડાઈ ગયા હતા. વિશ્વયુદ્ધો ચાલતાં હતાં ત્યારના મોટા ભાગના સાહિત્યસર્જકો પર યુદ્ધના વિનાશની ઘેરી અસર પડી હતી. વળી ગોલ્ડિંગને તો સાગર અને વિશ્વયુદ્ધ બંનેનો અનુભવ હતો, તેથી તેમનાં લખાણોમાં આ બંનેનું પ્રાધાન્ય રહેલું છે. તેઓ માનતા હતા કે દરેક મનુષ્યમાં એક પશુ છુપાયેલું છે. ૧૯૫૪માં તેમની પ્રથમ નવલકથા ‘લૉર્ડ ઑફ ધી ફ્લાઇઝ’ પ્રકાશિત થઈ. વિશ્વની ૨૮ ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. એમની પાસેથી ‘ધી ઇનહેરીટર્સ’, ‘ફ્રી ફૉલ’, ‘ધી સ્પાયર’, ‘ડાર્કનેસ વિઝિબલ’ વગેરે નવલકથાઓ મળી છે. ૧૯૮૭માં તેઓ ભારતની મુલાકાતે આવ્યા હતા. લેખક તરીકે તેઓ ગંભીર પ્રકૃતિના હતા. તેમણે નાટકો પણ લખ્યાં છે ને અભિનય પણ કર્યો હતો. ઈ. સ. ૧૯૬૬માં તેમને ‘સર’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમને અનેક સંસ્થાઓ તરફથી ડી. લિટ.ની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. છેલ્લે તેઓ કુટુંબ સાથે સેલ્સબરી પાસે આવેલ વિલ્ટશાયરમાં રહેતા હતા.