વિષાદયોગનો મર્મ


‘હું જાણું છું કે મારા જીવનની શ્રેષ્ઠતમ નિધિ તમે છો. એવું કોઈ ધન નથી કે જે તમારા સમાન હોય. આમ છતાં મારું ઘર ભંગાર વસ્તુઓથી ભરેલું છે, એને હું ફેંકી શકતો નથી. કવિવર રવીન્દ્રનાથ ટાગોરની આ પંક્તિઓ માનવહૃદયમાં વસતા મોહના આકર્ષણને દર્શાવે છે. એ મોહ માણસને ઘેરી લે છે. એના આત્મા પર એક એવું કાળું ઘનઘોર વાદળ છવાઈ જાય છે કે જેનાથી એનો આત્મસૂર્ય ઢંકાઈ જાય છે. એ મોહ માનવીને વાસ્તવિક પરિસ્થિતિથી અળગો કરી દે છે અને એ આંખો બંધ કરીને એની પાછળ સતત દોડે છે. એથીયે વિશેષ તો એ મોહને કારણે પરિસ્થિતિનો સાચો તાગ મેળવી શકતો નથી. ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’માં શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદને આપણે ઘટના રૂપે જોઈએ છીએ. ક્યારેક અર્જુનના વિષાદયોગની વાત કરીએ છીએ, પરંતુ એ ઘટનાની ભીતરમાં છુપાયેલા ભાવને જાણવો પડે. અર્જુન વીર છે, બુદ્ધિશાળી છે, કુશળ ધનુર્ધર છે અને છતાં એ કપરી વેળાએ મોહગ્રસ્ત બને છે. શું અર્જુનને ખબર નહોતી કે એને આ કૌરવો સાથે યુદ્ધ કરવાનું છે ? પાંડવોનો નાશ કરવા માટેની, કૌરવોનાં કેટલાંય ષડયંત્રોની એને પૂરેપૂરી જાણ હતી અને આમ છતાં યુદ્ધ સમયે મોહ જાગે છે. એ મોહ પર માનવીએ વિજય મેળવવો જોઈએ. ઘોડો તોફાની બને, તો તેના પરનો સવાર લગામ છોડી દેતો નથી, પણ ઘોડાને વશ કરવા પ્રયત્ન કરે છે. આ ઘટનાનો મર્મ એ છે કે આપણે મક્કમ મને નિર્ણય કર્યો હોય, પરંતુ જ્યારે એ પ્રમાણે કાર્ય કરીએ, ત્યારે મુશ્કેલી આવે છે અને તેથી જ શ્રીકૃષ્ણ કહે છે કે, ‘તારી મોહગ્રસ્તતામાં તને તારું શુભ દેખાતું નથી.’ આનો અર્થ એટલો જ કે બુદ્ધિથી નિર્ણય કરવો એ એક વાત છે અને એથીયે વિશેષ મહત્ત્વનું તો એ નિર્ણયને કાર્યાન્વિત કરવાનું છે.