જ. 21 માર્ચ 1934 અ. 9 જાન્યુઆરી 2021

ભારતીય મૂળના અમેરિકામાં વસતા પત્રકાર અને લેખક વેદ મહેતાનો લાહોરમાં પંજાબી હિંદુ પરિવારમાં જન્મ. પિતા અમોલક રામ મહેતા અને માતા શાંતિ મહેતા. પિતા ભારત સરકારના વરિષ્ઠ જાહેર આરોગ્ય અધિકારી હતા. 3 વર્ષની ઉંમરે સેરેબ્રોસ્પાઇનલ મેનિન્જાઇટિસને કારણે વેદે દૃષ્ટિ ગુમાવી. તેમને મુંબઈની દાદર સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડમાં મૂકવામાં આવ્યા. પછી તેઓ અર્કાન્સાસ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડમાં ભણવા ગયા. તેઓ 1956માં પોમોના કૉલેજમાંથી અને 1959માં ઑક્સફર્ડની બલિઓલ કૉલેજમાંથી બી.એ. થયા. 1961માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. વિદ્યાર્થીકાળમાં જ ‘ધ ન્યૂ યૉર્કર’ માટે લખવાનું શરૂ કર્યું. તેઓ 1975માં અમેરિકન નાગરિક બન્યા હતા. તેઓ 1961થી ધ ન્યૂ યૉર્કર સામયિકમાં જોડાયા અને 1994 સુધી સ્ટાફલેખક તરીકે કામ કર્યું. તેમણે 27 જેટલાં પુસ્તકો લખ્યાં છે. તેમનું પ્રથમ પુસ્તક ‘ફેસ ટુ ફેસ’ 1957માં પ્રકાશિત થયું, જે તેમની આત્મકથાનું હતું. ‘વૉકિંગ ધી ઇન્ડિયન સ્ટ્રીટ્સ’(1963), ‘ફ્લાય ઍન્ડ ફ્લાય બૉટલઃ એન્કાઉન્ટર્સ વિથ બ્રિટિશ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ’(1962), ‘ડેલિન્ક્વન્ટ ચાચા’, ‘પૉર્ટ્રેટ ઑવ્ ઇન્ડિયા’, તેમના પિતા અમોલક રામ મહેતાનું જીવનચરિત્ર ‘ડેડીજી’ (1972), ‘મહાત્મા ગાંધી ઍન્ડ હિઝ અપોસ્ટલ્સ’ (1977), ‘ધ ન્યૂ ઇન્ડિયા’ (1978), ‘મામાજી’ (1979), ‘વેદી’ (1982), ‘ધ લેજ બિટવીન ધ સ્ટ્રીમ’ (1984), ‘સાઉન્ડ-શેડોસ ઑવ્ ધ ન્યૂ વર્લ્ડ’ (1986), ‘ધ સ્ટોલન લાઇટ’ (1989) નોંધપાત્ર પુસ્તકો છે. તેમણે અંગ્રેજીમાં લખ્યું છે, પરંતુ તેમની કૃતિઓના અનેક ભાષામાં અનુવાદો થયા છે. તેમણે અનેક કૉલેજોમાં અને યેલ તથા ન્યૂયૉર્ક યુનિવર્સિટીઓમાં પણ શીખવ્યું હતું. 1982માં તેઓ મેકઆર્થર ફેલો થયા હતા. 1971 અને 1977માં તેમને ગુગેનહેમ ફેલોશિપ મળી હતી. 2009માં રૉયલ સોસાયટી ઑવ્ લિટરેચરના ફેલો તરીકે ચૂંટાયા હતા. તેમને પોમોના કૉલેજ, બાર્ડ કૉલેજ, વિલિયમ્સ કૉલેજ, બોડોઇન કૉલેજ તથા યુનિવર્સિટી ઑવ્ સ્ટર્લિંગ દ્વારા માનદ પદવીઓથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અનિલ રાવલ
