જ. 14 માર્ચ, 1913 અ. 8 ઑગસ્ટ, 1982

મલયાળમ સાહિત્યના સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને રાજકારણી શંકરનકુટ્ટીનો જન્મ કાલિકટમાં થયો હતો. પિતા કુંજીરામન અને માતા કિટ્ટુલી. તેમનું પ્રારંભિક શિક્ષણ ગણપથ શાળામાં થયું. તેમણે 1929માં કાલિકટની ઝામોરિન્સ હાઈસ્કૂલમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી, 1934માં ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કરી. તેઓ 1937માં કાલિકટ ગુજરાતી શાળામાં શિક્ષક તરીકે જોડાયા. તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સભ્ય હતા. 1939ના ત્રિપુરા અધિવેશનમાં જવા માટે શાળામાંથી રજા ન મળતાં તેમણે રાજીનામું આપી દીધું. એ પછી તેઓ મુંબઈ અને લખનઉ ગયા. 1945માં કેરળ પાછા ફર્યા. તેમણે ભારતમાં પ્રવાસ કર્યો એ પછી 1949 અને 1952માં વિદેશ પ્રવાસો કર્યા. એના આધાર પર પ્રવાસવર્ણનનાં પુસ્તકો લખ્યાં. તેમને મલયાળમના જોન ગુથરનું બિરુદ મળ્યું હતું. તેઓ કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે 1928માં કૉલેજના સામયિકમાં પ્રથમ વાર્તા ‘રાજનીથિ’ પ્રકાશિત થઈ હતી. તેમની પ્રથમ નવલકથા ‘નાદાન પ્રેમમ’ 1941માં પ્રકાશિત થઈ હતી. તેમની કૃતિઓનો અંગ્રેજી, ઇટાલિયન, જર્મન, ચેક, રશિયન ઉપરાંત ભારતની મુખ્ય ભાષાઓમાં અનુવાદ થયો છે. તેમણે સાઠેક જેટલાં પુસ્તકો લખ્યાં છે, જેમાં 10 નવલકથાઓ, 24 વાર્તાસંગ્રહો, 3 કાવ્યસંગ્રહો, 18 પ્રવાસવર્ણનો, 4 નાટકો અને નિબંધસંગ્રહ અને સંસ્મરણો આધારિત બે પુસ્તકોનો સમાવેશ થાય છે. 1971માં મિલાનથી પ્રકાશિત ‘ધ બેસ્ટ શૉર્ટ સ્ટોરીઝ ઑવ ધ વર્લ્ડ’ના ઇટાલિયનસંગ્રહમાં તેમની વાર્તા ‘બ્રાંથન નાયા’નો સમાવેશ કરવામાં આવ્યો હતો. રશિયન ભાષામાં તેમની વાર્તાસંગ્રહની એક લાખ નકલોનું માત્ર બે સપ્તાહમાં વેચાણ થયું હતું. તેમની વાર્તાઓ પરથી મલયાળમમાં ફિચર ફિલ્મો બનાવવામાં આવી છે. તેમની વાર્તા ‘કડથુથોની’ પરથી બનેલી ફિલ્મ ‘કડવુ’ને આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પુરસ્કારો મળ્યા હતા. તેઓ 1962માં લોકસભાના સાંસદ હતા. તેમને તેમની નવલકથા ‘ઓરુ થેરુવિંટે કથા’ માટે 1961માં કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કાર, ‘ઓરુ દેસાથિંટે કથા’ માટે 1972માં સાહિત્ય અકાદમી પુરસ્કાર અને 1980માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1982માં યુનિવર્સિટી ઑવ્ કાલિકટે ડૉક્ટર ઑવ્ લેટર્સની માનદ પદવી આપી હતી. ભારતીય ટપાલખાતાએ 2003માં તેમની પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી.
અનિલ રાવલ
