જ. ૬ ઑગસ્ટ, ૧૯૦૮ અ. ૩ એપ્રિલ, ૨૦૦૦

વાર્તા, નાટક, નિબંધ અને ઇતિહાસના ગ્રંથો લખીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવનાર શંભુપ્રસાદનો જન્મ ચોરવાડ, જૂનાગઢમાં થયો હતો. પિતા હરપ્રસાદ જૂનાગઢ રાજ્યના વહીવટદાર હતા. શંભુપ્રસાદે માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં તથા ઉચ્ચશિક્ષણ અમદાવાદ અને જૂનાગઢમાં લીધું હતું. તેમણે ૧૯૩૦માં ઇતિહાસ વિષય સાથે બી.એ.ની પરીક્ષા પાસ કરી હતી. એલએલ.બી. પાસ થયા બાદ તેમણે વેરાવળમાં વકીલાત શરૂ કરી. ૧૯૩૩માં તેઓ જૂનાગઢ રાજ્યના મહેસૂલ ખાતામાં વહીવટદારના હોદ્દાના પ્રોબેશનર નિમાયા. તે પછી તેમણે વહીવટદાર તથા રાજ્યના સચિવાલયમાં સુપરિન્ટેન્ડેન્ટની ફરજો બજાવી. જૂનાગઢ રાજ્ય ભારત સાથે જોડાયા બાદ તેમને નવી સરકારમાં પાટણ તથા તલાળાના ઍડ્મિનિસ્ટ્રેટર નીમવામાં આવ્યા. ૧૯૫૦માં ડેપ્યુટી કલેક્ટર તરીકે નિમણૂક થવાથી સૌરાષ્ટ્ર રાજ્યની સેવામાં જોડાયા અને ૧૯૬૬માં અમરેલીના કલેક્ટરના હોદ્દા પરથી નિવૃત્ત થયા. તેઓ સંસ્કૃત, અંગ્રેજી, ઉર્દૂ, અરબી અને ફારસી ભાષાઓના અભ્યાસી હતા. ૧૯૩૩માં તેમણે ‘પ્રભાસના વાજા રાજાઓ’ શીર્ષક હેઠળ મુંબઈના ‘ગુજરાતી’ પત્રમાં લેખ લખીને ઇતિહાસલેખનની શરૂઆત કરી. તેમના પ્રસિદ્ધ ગ્રંથ ‘સૌરાષ્ટ્રનો ઇતિહાસ’ની ત્રણ આવૃત્તિઓ પ્રગટ થઈ હતી. તેમાં તેમણે પ્રાચીન કાળથી ૧૯૬૫ સુધીનો સૌરાષ્ટ્રનો ઇતિહાસ લખ્યો છે. ‘પ્રભાસ અને સોમનાથ’ ગ્રંથમાં તેમણે પ્રાગ્ ઐતિહાસિક કાળથી શરૂ કરીને ૧૯૫૦ સુધીની બધી માહિતી ભેગી કરીને આપી છે. ૧૯૭૫માં પ્રગટ થયેલા ‘જૂનાગઢ અને ગિરનાર’ ગ્રંથમાં જૂનાગઢ રાજ્યને કેન્દ્રમાં રાખીને ઇતિહાસ લખ્યો છે. આ ઉપરાંત ‘શ્રીકૃષ્ણનું દ્વારકા’, ‘સૌરાષ્ટ્રના ઇતિહાસની વાર્તાઓ’માં તેમણે ખાસ કરીને નાગર દીવાનો તથા મુત્સદ્દીઓને રસપ્રદ રીતે આલેખ્યા છે. શંભુપ્રસાદ ઇતિહાસ ઉપરાંત સંસ્કૃતિ, સિક્કાઓ, સાહિત્ય, ભાષાઓ અને પુરાતત્ત્વના અભ્યાસી હતા. ઇતિહાસમાં રસ ધરાવતા અનેક સજ્જનો દરરોજ સાંજે તેમના નિવાસસ્થાને ભેગા મળીને ચર્ચા કરતા. તેમણે ‘પ્રભાસ સંશોધનસભા’, ‘સોરઠ સંશોધનસભા’ સ્થાપી હતી જે પછીથી ‘સૌરાષ્ટ્ર કચ્છ ઇતિહાસ પરિષદ’ નામથી જાણીતી થઈ. ૧૯૭૮થી ૮૦ સુધી તેઓ ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ૧૯૮૮માં તેમને ‘ડૉક્ટર ઑવ્ લેટર્સ’ની માનાર્હ ઉપાધિ એનાયત કરી હતી. તેમના ‘જૂનાગઢ અને ગિરનાર’ નામના ગ્રંથને ૧૯૭૮માં ગુજરાત રાજ્ય તરફથી શ્રેષ્ઠ ગ્રંથનો પુરસ્કાર મળ્યો હતો.
અમલા પરીખ
