જીવનમાં અન્ય પ્રતિ આદર અને સન્માન હોવાં જોઈએ, પરંતુ કોઈના પ્રભાવથી પૂર્ણ રીતે અભિભૂત થઈને જીવવું જોઈએ નહીં. આદર સાહજિક છે, કિંતુ પ્રભાવિત થવું અસાહજિક છે. પ્રભાવિત થાવ ત્યારે પૂર્ણ સાવચેત રહેવું. એ ખતરાથી ખાલી નથી. સાહિત્યમાં કોઈ નવો સિદ્ધાંત આવે, પ્રજાજીવનમાં કોઈ નવો નાયક પેદા થાય કે કોઈ વિભૂતિનું જીવન સ્પર્શી જાય અને તમે તેનાથી પૂર્ણ રૂપે પ્રભાવિત થઈ જશો તો તમારું વ્યક્તિત્વ ખંડિત રહી જશે. અખંડિત વ્યક્તિત્વની સાધના કરનાર રામ કે બુદ્ધ પાસે જશે, પરંતુ શ્રદ્ધાની સાથે સાવચેતી રાખશે. એમની પાસેથી જે કંઈ સાંપડશે, તેમાંથી જરૂરી ગ્રહણ કરશે. એમનું અનુકરણ કરવાને બદલે સ્વજીવનમાં એમની ગુણસમૃદ્ધિનો સાદર કરવાનો પ્રયત્ન કરશે. એમને આત્મસાત્ જરૂર કરો, પણ એમાં તમારી જાતને ડુબાડશો નહીં. વિભૂતિઓ કે સદગુરુની ભાવનાઓને પામવી, સમજવી અને આચરવી જોઈએ, પરંતુ એ ભાવનાને માર્ગે ચાલતાં વિભૂતિપૂજામાં દોરવાઈ જઈએ નહીં એનો ખ્યાલ રાખવો જોઈએ. હૃદયની ઊર્ધ્વતા માટે ભાવ જરૂરી છે, ભીતરની મસ્તી માટે ભક્તિ જરૂરી છે, આત્માને પંથે ચાલવા માટે મુમુક્ષુતા જરૂરી છે, પરંતુ એ બધું મેળવવા જતાં ક્યાંય ભૂલા પડી જઈએ નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. આત્મસાત્ કરવું તે શ્રદ્ધા છે. જાતને ડુબાડવી તે અંધશ્રદ્ધા છે. શ્રદ્ધા સત્ય પાસે લઈ જાય છે. અંધશ્રદ્ધા અંધકારમાં ડુબાડી દે છે. કોઈ બાબત જીવનમાં ઉતારવા જેવી લાગે તો એને જીવનમાં ઉતારીને આત્મસમૃદ્ધ બનવું, પરંતુ અમુક જ વ્યક્તિની કે વિભૂતિની વાત આંખો મીંચીને માનવી કે પાળવી તે તમારામાં અપૂર્ણતા સર્જશે. પૂર્ણ પાસે જાવ, ત્યારે અભિભૂત થઈને અતિભક્તિ ન કરશો. એમના હૃદયવૈભવને આત્મસાત્ કરીએ.
કુમારપાળ દેસાઈ
