શ્રી મધુસૂદનન પારેખ ‘પ્રિયદર્શી


જ. ૧૪ જુલાઈ, ૧૯૨૩ અ. ૨૮ જાન્યુઆરી, ૨૦૨૩

ગુજરાતી સાહિત્યના અગ્રણી હાસ્યલેખક, બાળસાહિત્યકાર, વિવેચક, અનુવાદક અને સંપાદક મધુસૂદન પારેખનો જન્મ સાહિત્યોપાસક હીરાલાલ ત્રિ. પારેખને ત્યાં અમદાવાદમાં થયો હતો. માતાનું નામ જડાવબહેન. વતન સૂરત પણ કાર્યક્ષેત્ર અમદાવાદ. ઈ. સ. ૧૯૩૯માં મૅટ્રિક, ૧૯૪૫માં બી.એ., ૧૯૫૨માં એમ.એ., ૧૯૫૮માં ‘ગુજરાતી નવલકથા-સાહિત્યમાં પારસીઓનો ફાળો’ વિષય પર પીએચ.ડી. થયા. ૧૯૪૫થી ૧૯૫૫ સુધી શિક્ષકની કામગીરી, ૧૯૫૫થી ૧૯૮૩ સુધી અમદાવાદની એચ. કે. આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક પછી આચાર્યપદે રહેલા. ૧૯૬૧થી ‘બુદ્ધિપ્રકાશ’ના સંપાદનકાર્યમાં સંલગ્ન. ૧૯૭૪થી ગુજરાત સાહિત્યસભા, અમદાવાદના મંત્રી, ૨૦૦૬ બાદ થોડો સમય તેના પ્રમુખ પણ થયેલા. તેમનું મૂલ્યવાન પ્રદાન હાસ્યનિબંધના ક્ષેત્રે છે. ‘પ્રિયદર્શી’ના ઉપનામે ૧૯૬૦થી ‘ગુજરાત સમાચાર’માં ‘હું, શાણી અને શકરાભાઈ’ કૉલમની શરૂઆત  થયેલી, તે તેમના અવસાન પર્યંત ૨૦૨૩ સુધી સુંદર રીતે ચાલેલી. તેમના માર્મિક વિનોદમાં શિષ્ટતા અને  મિષ્ટતા રહેલી છે. તેમના સમગ્ર લેખનનું મુખ્ય લક્ષ્ય વાચકોનું નરવી રીતે મનોરંજન કરવાનું હતું. તેમની પાસેથી ૩૫ જેટલા હાસ્ય-નિબંધસંગ્રહો મળ્યા છે. ‘હું, શાણી અને શકરાભાઈ’, ‘સૂડી-સોપારી, ‘રવિવારની સવાર’, ‘હું, રાધા ને રાયજી’, ‘પેથાભાઈ પુરાણ’, ‘પ્રિયદર્શીની હાસ્યલીલા’ વગેરે તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમની પાસેથી ‘બુધિયાનાં પરાક્રમો’, ‘માખણલાલ, ‘સાહસિક સુંદરલાલ, ‘વરુણનું સોનેરી સ્વપ્ન’, ‘સસ્સાજી સટાકિયા’ અને અન્ય અનેક બાળવાર્તાસંગ્રહો અને ‘નાટ્યકુસુમો’, ‘પ્રિયદર્શીનાં પ્રહસનો’ વગેરે નાટકો પણ મળ્યાં છે. શેક્સપિયરનાં નાટકો પરથી ‘શેક્સપિયરની નાટ્યકથાઓ’ તેમણે આપી છે, જે ખૂબ પ્રચલિત છે. તેમની પાસેથી ત્રણેક વિવેચનસંગ્રહો, ૧૧ જેટલા વાર્ષિક સમીક્ષાગ્રંથો મળ્યા છે. તેમણે કેટલાક અનુવાદો આપ્યા છે અને ઘણાં સંપાદનો પણ કર્યાં છે. તેમને ‘અંગ્રેજી સાહિત્યનું આચમન’ માટે ૧૯૭૨નો ‘કુમારચંદ્રક’, ૧૯૯૧માં ‘ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક’, ૨૦૦૩માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ગુ. સા. અકાદમીનો ‘ગૌરવ પુરસ્કાર’ તથા ૨૦૦૧માં ‘અનંતરાય રાવળ વિવેચન ઍવૉર્ડ’ મળેલો.