સમય જતાં વૃત્તિ રોજની આદત બની જાય છે


કૈકેયીના કારણે રામને વનવાસ ભોગવવો પડ્યો, તેમ છતાં એ સદૈવ કૈકેયીનો ઉપકાર માનતા રહ્યા. ચંડકૌશિક નામના દૃષ્ટિવિષ સર્પે વિના કારણે ભગવાન મહાવીરને દંશ દીધો, છતાં મહાવીર એના પર વાત્સલ્ય વેરતા રહ્યા. ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચઢાવનાર પ્રત્યે એમની કરુણા વહેતી જ રહી. આવું કેમ બન્યું હશે ? કૈકેયી પ્રત્યે ગુસ્સો, ચંડકૌશિક પ્રત્યે ક્રોધ અને વધસ્તંભે ચઢાવનારા પ્રત્યે ધિક્કાર કેમ જાગ્યો નહીં ? કારણ એટલું જ કે એમના હૃદયમાં ગુસ્સો, ક્રોધ કે ઘૃણાની વૃત્તિ જ નહોતી. જે હૃદયમાં ન હોય, તે પ્રગટ કેવી રીતે થાય ? હકીકતમાં વૃત્તિ મનમાં વસતી હોય છે અને પછી એને યોગ્ય આધાર કે આલંબન મળતાં એ પ્રગટ થતી હોય છે. તમારા મનમાં ક્રોધવૃત્તિ પડેલી જ હોય અને પછી કોઈ અપશબ્દ બોલે કે અપમાન કરે, એટલે કે વૃત્તિના જ્વાળામુખીનો વિસ્ફોટ થાય છે. મનમાં મોહ સળવળતો જ હોય અને જેવી કોઈ આકર્ષક વસ્તુ કે વાસનાનું સ્થાન જુએ એટલે મોહ તત્ક્ષણ પ્રગટ થશે. આનો અર્થ એ છે કે તમે ક્રોધિત થતા નથી, પરંતુ તમારા મનમાં  રહેલી ક્રોધની વૃત્તિ જ ક્રોધનું કારણ શોધતી હોય છે અને સહેજ કારણ મળી જાય, એટલે એ ક્રોધ પ્રગટ થતો હોય છે. ધીરે ધીરે એ વૃત્તિ એટલી બધી પ્રબળ બને છે કે પછી તમારો ભીતરનો એ ક્રોધ પ્રગટવા માટે બહાર સતત કારણો શોધતો હોય છે અને સહેજ નાનું કારણ મળે એટલે એ તરત પ્રગટ થતો હોય છે. પહેલાં જે વૃત્તિ હતી, એ સમય જતાં આદત બની જાય છે અને પછી એને ક્રોધ કર્યા વિના ફાવતું નથી. એનો મોહ પહેલાં નાની નાની બાબતો ઉપર આધારિત હતો, તે હવે મોટી મોટી વસ્તુઓનો મોહ રાખે છે. નાની ચોરીથી થયેલી શરૂઆત મોટી ધાડમાં પરિણમે છે.