સાબરમતી નદી


ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ પૈકીની એક.

તે રાજસ્થાનની અરવલ્લી ગિરિમાળાના નૈર્ૠત્ય ઢોળાવ પર આવેલા વેકરિયા નજીકથી ઉદગમ પામી છે અને ખંભાતના અખાતને મળે છે. તેની લંબાઈ ૪૧૬ કિમી. જેટલી છે. તેમાં આશરે ૧૧૬ કિમી. જેટલો તેનો પ્રવાહમાર્ગ રાજસ્થાનમાં છે. ગુજરાતના પૂર્વ ભાગમાં સાબરકાંઠા જિલ્લાના મામાના પીપળા ગામથી તે પ્રવેશ કરે છે. ગુજરાતમાં તેનો પ્રવહનમાર્ગ ૩૦૦ કિમી. જેટલો છે. તેનો થાળાવિસ્તાર ૫,૯૩૬ ચોકિમી. જેટલો તેમ જ સ્રાવક્ષેત્ર ૯,૫૦૦ ચોકિમી. જેટલું છે. હેઠવાસના કેટલાક ભાગોમાં આ નદીએ કાંપ પાથરેલો છે. તે ભાઠાના વિસ્તાર તરીકે ઓળખાય છે. આ નદી સાબરકાંઠા-બનાસકાંઠા, સાબરકાંઠા-મહેસાણા, સાબરકાંઠા-ગાંધીનગર, ખેડા-અમદાવાદ તથા આણંદ-અમદાવાદ જિલ્લાઓને જુદા પાડતી ભૌગોલિક સીમા રચે છે.

અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદી

ઉપલબ્ધ માહિતી અનુસાર, હજારો વર્ષો પહેલાં તે ‘કાશ્યપી ગંગા’ને નામે, સતયુગમાં ‘કૃતવતી’  અને ત્રેતાયુગમાં ‘ગિરિકર્ણિકા’ને નામે તથા દ્વાપરયુગમાં ‘ચંદનવતી’ને નામે ઓળખાતી હતી.  કળિયુગના પ્રારંભમાં તે ‘શ્વભ્રવતી’, ‘શુભ્રવતી’, ‘સાબ્રમતી’, ‘સાભ્રમતી’ જેવાં નામોથી અને હવે તે ‘સાબરમતી’ નામથી ઓળખાય છે. વાસ્તવમાં મહુડી સુધી તે ‘સાબર’ નામથી અને હિંમતનગર પસાર કર્યા પછી હાથમતી નદીનો સંગમ થયા પછી તે ‘સાબરમતી’ નામથી ઓળખાય છે. સાબરમતી નદીનો અમદાવાદની મધ્યમાંથી પસાર થતો આજનો પ્રવાહ અગાઉ આવો ન હતો. આજનો માણેકચોકનો વિસ્તાર નદીના કાંઠા પર હતો અને તે ભાગના કાંઠા પર કાગદી પોળ નજીક માણેકનાથ બાવાની ઝૂંપડી હતી. તેની સહાયક નદીઓમાં પન્નારી, હરણાવ, કણાદર, હાથમતી, ખારી, મેશ્વો, માઝમ, વાત્રક તથા શેઢીનો સમાવેશ થાય છે. અમદાવાદ અને ગાંધીનગર જેવાં ગુજરાતનાં અગત્યનાં શહેરો સાબરમતીને કાંઠે વસેલાં છે. સાબરમતી નદીના કાંઠાઓને વધુ રમણીય બનાવવાના હેતુથી ‘સાબરમતી રિવરફ્રન્ટ’ યોજના અમલમાં મૂકવામાં આવી છે. અમદાવાદના પૂર્વ-પશ્ચિમ ભાગોને જોડતા ઇન્દિરા પુલ, સુભાષ પુલ, ગાંધી પુલ, નહેરુ પુલ, વિવેકાનંદ પુલ(એલિસબ્રિજ), સરદાર પુલ, શાસ્ત્રી પુલ વગેરે સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલા છે. તેના કાંઠે મહુડી, પ્રાંતિજ, ગળતેશ્વર જેવાં તીર્થ આવેલાં છે. તેના કાંઠા ઉપર આવેલાં જોવાલાયક સ્થળોમાં ગાંધીનગરમાં ઇન્દ્રોડા પાર્ક, હરણ-ઉદ્યાન, સરિતા-ઉદ્યાનનો સમાવેશ થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાબરમતી નદી, પૃ. ૧૦૮)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી