ભૂમધ્ય સમુદ્રના ઈશાનકોણમાં આવેલો ટાપુદેશ.
તે ૩૫° ૦૦´ ઉ. અ. અને ૩૩° ૦૦´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તે ટર્કીથી આશરે ૬૪ કિમી. દક્ષિણ તરફ સ્થિત છે. તેનો વિસ્તાર આશરે ૯,૨૫૧ ચોકિમી. જેટલો છે. તેની વસ્તી આશરે ૧૩,૫૮,૨૮૨ (૨૦૨૪, આશરે) જેટલી છે. નિકોસિયા તેનું પાટનગર તથા મોટામાં મોટું શહેર છે. નિકોસિયાનો ઘણોખરો ભાગ ગ્રીક વિસ્તારમાં રહેલો છે, જ્યારે તેનો થોડો ભાગ ટર્કી વિસ્તારમાં ગણાય છે. ભૌગોલિક રીતે આ દેશ એશિયામાં છે, પરંતુ ત્યાંના લોકોની જીવનશૈલી યુરોપના લોકોને વધુ મળતી આવે છે. ૧૯૬૦(૧૬-૮-૧૯૬૦)માં સાયપ્રસ સ્વતંત્ર દેશ બન્યો છે. સાયપ્રસમાં ટ્રુડોસ અને કાયરેનિયા – એમ બે પર્વતમાળાઓ આવેલી છે. તે બંનેની વચ્ચે મેસોરિયાનું ફળદ્રૂપ મેદાન આવેલું છે. નૈર્ૠત્ય સાયપ્રસની ટ્રુડોસ પર્વતમાળા પ્રમાણમાં મોટી છે. ૧,૯૫૨ મીટરની ઊંચાઈ ધરાવતું, માઉન્ટ ઑલિમ્પસ તેનું સર્વોચ્ચ શિખર છે. આ પર્વતમાળાનો ભાગ ગીચ જંગલોથી છવાયેલો છે. કાયરેનિયા પર્વતમાળા સાયપ્રસને ઉત્તર કાંઠે વિસ્તરેલી છે. અહીંનો સમુદ્રકંઠારપટ સોનેરી રેતીવાળો છે. પેડિયસ અહીંની મુખ્ય નદી છે.

સાયપ્રસની રાજધાની નિકોસિયા
આ દેશની આબોહવા લગભગ આખું વર્ષ ખુશનુમા રહે છે. શિયાળામાં ટ્રુડોસના ઊંચાઈવાળા ભાગો પર હિમવર્ષા થાય છે. મેદાની ભાગોમાં સરેરાશ વાર્ષિક વરસાદ ૩૦૦થી ૪૦૦ મિમી. જેટલો પડે છે, પરંતુ ટ્રુડોસ પર્વતો પર ૧,૦૦૦ મિમી. જેટલો વરસાદ પડે છે. દેશની મુખ્ય પેદાશોમાં સિમેન્ટ, સિગારેટ, પગરખાં, ઑલિવ ઑઇલ, કાપડ અને દારૂનો સમાવેશ થાય છે. જવ, ગ્રેપફ્રૂટ, દ્રાક્ષ, લીંબુ, ઑલિવ, નારંગી, કેળાં, બટાકા અને ઘઉં મુખ્ય ખેતપેદાશો છે. મુખ્ય ખનિજોમાં ઍસ્બેસ્ટૉસ અને ક્રોમાઇટનો સમાવેશ થાય છે. તાંબાની ખાણો પણ હતી જે હવે ખાસ પ્રમાણમાં રહી નથી. પ્રવાસન આ દેશનો મહત્ત્વનો ઉદ્યોગ છે. અહીંનો રમણીય સમુદ્રકંઠારપટ, ખાબડખૂબડ પહાડી પ્રદેશ, ટેકરીઓને મથાળે બાંધેલા કિલ્લા અને જૂનાં દેવળો જોવાલાયક છે. દર વર્ષે અંદાજે ૨૪ લાખ લોકો અહીંનાં રમણીય દૃશ્યો, ઐતિહાસિક સ્થળો અને ખુશનુમા આબોહવાની મોજ માણવા આવે છે. સાયપ્રસમાં રેલમાર્ગો નથી, પરંતુ સડકમાર્ગો સારા છે. લિમાસોલ, કાયરેનિયા અને લાર્નેકા અહીંનાં મુખ્ય બંદરો છે. દેશનું હવાઈ મથક લાર્નેકા ખાતે આવેલું છે. દેશની વસ્તીના આશરે ૭૦% લોકો શહેરમાં વસે છે, જોકે મોટા ભાગના લોકો મેસોરિયાના મેદાની પ્રદેશમાં વસે છે. ગ્રીક અને તુર્કી અહીંની સત્તાવાર ભાષાઓ છે.
અમલા પરીખ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, સાયપ્રસ, પૃ. 117)
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી