સિંધુ-ગંગાનાં મેદાનો (Indo-Gangetic Plains)


સિંધુ-ગંગા તથા તેમની સહાયક નદીઓના કાંપથી બનેલાં, વિશાળ વિસ્તાર આવરી લેતાં મેદાનો.

તે પશ્ચિમે સિંધુના ત્રિકોણપ્રદેશથી શરૂ થઈને ઉત્તરે ઉત્તરાખંડ સુધી વિસ્તરીને પૂર્વ તરફ ગંગા-બ્રહ્મપુત્રના ત્રિકોણપ્રદેશ સુધી પથરાયેલાં છે. તેમની ઉત્તર કિનારી હિમાલયની દક્ષિણ ધાર હેઠળ અને દક્ષિણ કિનારી વિંધ્ય પર્વતોના ઢોળાવ હેઠળ દબાયેલી છે. સિંધનો મોટો ભાગ, ઉત્તર રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને પૂર્વોત્તર રાજ્યોના ઉત્તર વિભાગને આવરી લેતાં આ મેદાનોનું ક્ષેત્રફળ ૭,૭૭,૦૦૦ ચોકિમી. જેટલું છે. પહોળાઈમાં તે પશ્ચિમ ભાગમાં વધુમાં વધુ ૫૦૦ કિમી.થી માંડીને ૧૫૦ કિમી. કરતાં ઓછી પહોળાઈ સુધી બદલાતાં રહે છે. તેમનો તળભાગ સમતળ નથી, પરંતુ ઊંચાણ-નીચાણ ધરાવે છે, તળના સ્થળદૃશ્યનો ઢોળાવ ઉત્તરતરફી છે. તળભાગમાં બે ડુંગરધારો દટાયેલી છે : એક, દિલ્હી-હરદ્વાર વચ્ચે અરવલ્લીની વિસ્તરણ દિશામાં, બીજી, દિલ્હીથી સૉલ્ટ-રેન્જ સુધી વાયવ્ય દિશા તરફ પંજાબના કાંપ હેઠળ રહેલી છે. કાંપની ઊંડાઈ ઉત્તર સીમા તરફ આશરે ૪,૬૦૦ મીટરની જ્યારે દક્ષિણ ધાર નજીક સ્થળભેદે ૧૦૦ મીટરથી ૪૦૦ મીટર જેટલી હોવાનું જણાયું છે; કાંપની મહત્તમ ઊંડાઈ દિલ્હી અને રાજમહાલ ટેકરીઓ વચ્ચે છે, જ્યારે રાજસ્થાન અને રાજમહાલ વચ્ચે કાંપનિક્ષેપો છીછરા છે.

સિંધુ-ગંગાનાં મેદાનોનો એક ભાગ

ઉત્પત્તિ-સ્થિતિ : દ્વીપકલ્પીય ભારત અને હિમાલય વચ્ચે રહેલા આ ત્રીજા પ્રાકૃતિક વિભાગની ઉત્પત્તિ હિમાલયના ઉત્થાનના મુખ્ય ત્રણ (કુલ પાંચ) તબક્કાઓ સાથે સંકળાયેલી છે, ઉત્થાનના તબક્કાઓની સાથે સાથે સંતુલન-જાળવણી અર્થે તે ગર્ત સ્વરૂપે ક્રમશ: દબાતો ગયેલો છે. ગર્તસ્વરૂપી આ થાળું (trough) ત્યારબાદ, નદીઓના કાંપથી પુરાતું ગયેલું છે અને વર્તમાન સ્થિતિ પ્રાપ્ત કરેલી છે, આજે પણ જમાવટની ક્રિયા ચાલુ છે. કાંપ ઠલવાતો જાય છે, ઘસાતો જાય છે, ધોવાણ થતું જાય છે અને બંને તરફના સમુદ્રોના તળ પર પણ કાંપની જમાવટની ક્રિયા ચાલુ છે. ઐતિહાસિક અને કૃષિવિષયક દૃષ્ટિએ તે મહત્ત્વનો વિસ્તાર હોવા છતાં ભૂસ્તરીય દૃષ્ટિએ તેનું ખાસ મહત્ત્વ નથી. ભારતના લાંબા ભૂસ્તરીય ઇતિહાસના સંદર્ભમાં તે હજી હમણાં બનેલી ઘટના ગણાય છે. ભૂસ્તરવિદોમાં આ મેદાનની ઉત્પત્તિની રચનાત્મક આકારિકી માટે બે મત પ્રવર્તે છે: એક મત મુજબ, તે હિમાલયની દક્ષિણે તૈયાર થયેલું  અગ્ર ઊંડાણ (foredeep) છે; જ્યારે બીજા મત મુજબ, તે ફાટખીણ (rift valley) પ્રકારનું રચનાત્મક લક્ષણ છે. તેની બંને બાજુ બે સમાંતર સ્તરભંગો આવેલા છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિંધુ-ગંગાનાં મેદાનો, પૃ. ૨૦9)