સુખ-દુ:ખના છેડા પર ઘૂમતું લોલક


આપણા સુખ અને આપણા દુ:ખની બાબતમાં આપણે કેટલા બધા પરતંત્ર અને મજબૂર છીએ ! સુખનો અનુભવ આપણે સ્વયં પામીએ છીએ અને છતાં એ સુખદાતા અન્ય કોઈ હોય છે, તે કેવું ? બાહ્ય કે ભૌતિક જગતમાં કોઈ લાભદાયી ઘટના બને, ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય અથવા તો પ્રાપ્ત થયેલી વસ્તુમાં વૃદ્ધિ થાય એટલે આપણું અંત:કરણ સુખ અનુભવે છે. કોઈ સાનુકૂળ પ્રસંગ બને એટલે આપણે સુખ પામીએ છીએ. હાનિ અથવા નુકસાનની કોઈ ઘટના બને એટલે આપણે દુ:ખ પામીએ છીએ. આમ સુખ આપણું અને દુ:ખ પણ આપણું, પરંતુ એને આપનાર અન્ય કોઈ છે. એનો અનુભવ આપણા અંતરને થાય છે, પણ એનો સૂત્રધાર બીજો હોય છે. એ ઇચ્છે તો આપણું સુખ છીનવી લે છે અને એ ધારે તો આપણને દુ:ખી દુ:ખી કરી નાખે છે. માનવીના ભાગે તો માત્ર અનુભવવાનું જ આવે છે. આ સુખ અને દુ:ખ બીજા દ્વારા મળતું હોવાથી અનિશ્ચિત છે. કઈ ક્ષણે સુખ મળશે  અને કઈ ઘડીએ દુ:ખ મળશે, એનો ખ્યાલ નથી. પુરાણા ઘડિયાળના લોલકની માફક સુખ-દુ:ખના બે છેડા પર એ ઝૂલ્યા કરે છે. આ લોલકને અટકાવવાનો તમે વિચાર કર્યો ખરો ? જેણે આ બંનેથી પર થવાનો વિચાર કર્યો, એ સ્વતંત્ર બની ગયા અને એમની અન્ય પરની લાચારી કે મજબૂરી ટળી ગઈ. દુ:ખ અને સુખનો અનુભવ આપણું હૃદય કરે છે અને એ દુ:ખ કે સુખ અંતરમાંથી આવેલાં નથી. બાહ્ય પરિસ્થિતિ, વ્યક્તિઓ કે પ્રસંગોને કારણે હૃદય સુખનો ઉશ્કેરાટ કે દુ:ખનો અવસાદ અનુભવે છે. હકીકતમાં તો સુખ અને દુ:ખ એ ભીતરની વાત છે, બહારની સ્થિતિ નથી.