સુથાર


લાકડામાંથી જુદા જુદા ઘાટ ઘડનાર કારીગર. ‘સુથાર’ કે ‘સુતાર’ શબ્દ સંસ્કૃત ‘સૂત્રધાર’ પરથી ઊતરી આવ્યો છે. ‘સૂત્ર’ એટલે દોરી અને ‘ધાર’ એટલે ધારણ કરનાર. તે પરથી તેઓ ‘સુત્તહાર  સુથાર’ કહેવાયા. સુથારી કામમાં લાકડું ધારેલા માપ પ્રમાણે વહેરવા માટે સૂત્ર એટલે સૂતરને ગેરુવાળું કરી એની છાંટ પાડવામાં આવે છે. આ ક્રિયા પરથી સૂતર ધરવાવાળો, સૂત્રધાર સુથાર કહેવાયો છે. આવી જાતનું અંકન આંકવાની વિદ્યા માત્ર લાકડા વહેરવા પૂરતી જ મર્યાદિત નહોતી, પણ પહેલાં સ્થપતિઓ નહોતા ત્યારે, ઘરોના નકશા બનાવવા સુધી તે વિકાસ પામી હતી. તેમાં દેવ વિશ્વકર્માને દેવોના રથ કરનારા સુથારથી માંડીને હજારો શિલ્પના કર્તા કહ્યા છે. આ સુથારો વિશ્વકર્માના વંશજ ગણાય છે. વિશ્વકર્માના પાંચ પુત્રોમાંથી ‘મય’ નામના પુત્રે સુથારી કામ સ્વીકાર્યું. આમ સુથારો વિશ્વકર્માના પુત્ર મયના વારસદારો ગણાય છે.

સુથારી કામ

સુથાર મુખ્યત્વે લાકડાને વહેરવાનું, કાપવાનું અને આકાર આપવાનું કાર્ય કરે છે. નાની-મોટી ઇમારતો, વહાણ, પુલ (લાકડાના) વગેરેનાં બાંધકામોમાં સુથારો લાકડાનું કામ કરે છે. વળી, તે ઇમારતોમાં બારીબારણાં, રાચરચીલું કબાટો, ટેબલ, ખુરશીઓ, પટારાઓ જેવો ઘરનો સરસામાન, રસોડામાં વપરાતાં પાટલા-પાટલી, આડણી-વેલણ તથા બાળકોને રમવાનાં રંગબેરંગી રમકડાં વગેરે બનાવે છે. સુથારી કામ એ અઘરો અને કુશળતા માગી લેતો વ્યવસાય છે. કેટલાક લોકો પોતાના પિતા પાસેથી પેઢી-દર-પેઢીથી ચાલી આવતા આ કામને શીખે છે. તો કેટલાક લોકો આ કામ એ માટેની ખાસ શાળાઓમાં જઈને શીખે છે. કેટલીક શાળાઓ અને કૉલેજોમાં પણ સુથારી કામનું શિક્ષણ આપવામાં આવે છે. સુથારો તેમના કામ માટે મોટે ભાગે વિવિધ જાતની કરવતો, હથોડીઓ, સ્ક્રૂડ્રાઇવર, રંધો, વાંસલો, શારડી કે ડ્રિલ જેવાં અનેક સાધનોનો ઉપયોગ કરે છે. ગુજરાતમાં વૈશ્ય, મેવાડા, ગુર્જર અને પંચોલી એ ચાર જાતિઓ વંશપરંપરાથી કાષ્ઠકળા-કારીગરી કરતી આવી છે. મેવાડા સુથારો મંદિરનાં રથ, પાલખી, ભંડાર વગેરે બનાવે છે. વળી તેઓ કાષ્ઠકામ ઉપર ચાંદીનાં પતરાં જડવાનું કામ પણ કરે છે. ગુર્જર અને પંચોલી સુથારો જૂના કાળે ગામડાંઓમાં રહીને ખેતીવાડીનાં ઓજારો બનાવવાનું કામ કરતા હતા. આજે તો તેઓ શહેરોમાં વસવા લાગ્યા છે અને ફર્નિચર બનાવવાનું અને આંતરિક સુશોભનનું કામ કરે છે. સુથારી કામના અલંકારપૂર્ણ કાષ્ઠસ્થાપત્યનો ઉપયોગ પહેલાંના સમયમાં મંદિરો, દેરાસરો અને શ્રેષ્ઠીઓનાં ઘરોમાં થતો હતો. ગુજરાતમાં સુથારી કામની અપાર સમૃદ્ધિ સિદ્ધપુર, પાટણ, અમદાવાદ, વસો, ખંભાત, ડભોઈ, સૂરત, મહુવા, જામનગર, ભાવનગર, વઢવાણ, ભુજ, છોટાઉદેપુર વગેરે અનેક સ્થળોમાં જોવા મળે છે. અમદાવાદ એક કાળે કાષ્ઠકોતરણી માટેનું જાણીતું કેન્દ્ર હતું. અહીંના સુથારો સીસમના લાકડા પર કોતરણી કરવા માટે અત્યંત કુશળ ગણાતા હતા. એકાદ સૈકા પહેલાં અમદાવાદમાં કાળુપુર પાંચપટ્ટીમાં રહેતા ચકુ ભૂદર અને સોમનાથ ભૂદરનો કાષ્ઠકંડારણ ક્ષેત્રે ડંકો વાગતો હતો. તેમના પિતા ભૂદર મિસ્ત્રી પાસે જાણીતા કવિ શ્રી દલપતરામે ‘રાસમાળા’નાં ચિત્રોની કોતરણી કરાવી હતી.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી