જ. 11 ડિસેમ્બર, 1882 અ. 11 સપ્ટેમ્બર, 1921

તમિળના પ્રસિદ્ધ લેખક, કવિ, સંગીતકાર અને પત્રકાર સુબ્રમણ્યમ્ ભારતીનો જન્મ તમિળનાડુના એટ્ટાયપુરમમાં થયો હતો. પિતા ચિન્નાસ્વામી ઐયર અને માતા લક્ષ્મી અમ્મલ. તેમણે પાંચ વર્ષની ઉંમરે માતાની અને અગિયાર વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. પ્રારંભિક શિક્ષણ તિરુનેલવેલીમાં થયું પછી વારાણસી ગયા. ત્યાં તેમણે હિંદુ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો. તેમને બાળપણથી કવિતા અને સંગીતમાં રસ હતો. અગિયાર વર્ષની ઉંમરે તેમને શ્રેષ્ઠ કવિતા માટે ‘ભારતી’નું બિરુદ આપવામાં આવ્યું. તેઓ સિસ્ટર નિવેદિતાને ગુરુ માનતા હતા. તેમણે એટ્ટાયપુરમના રાજાના મુખ્ય રાજકવિ તરીકે તેમજ મદુરાઈની સેતુપતિ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે પણ કામ કર્યું હતું. તેમણે તમિળ સાપ્તાહિક ‘ભારત’ અને અંગ્રેજી વર્તમાનપત્ર ‘બાલા ભારતમ્’નું સંપાદન કર્યું. આ ઉપરાંત ‘ઇન્ડિયા’, ‘વિજયા’. ‘સૂર્યોદયમ્’, ‘સ્વદેશમિત્રન’, ‘ધ હિન્દુ’ અને ‘ચક્રવર્તિની’ના સંપાદક અને ઘણાં વર્તમાનપત્રોમાં પત્રકાર તરીકે કાર્ય કર્યું હતું. 1908માં અંગ્રેજ સરકારે ધરપકડ વૉરન્ટ કાઢતાં તેઓ ફ્રેન્ચ શાસિત પોંડિચેરી (પુદુચેરી) ગયા. તેમણે મહર્ષિ અરવિંદને ‘આર્ય’ અને ‘કર્મયોગી’ પ્રકાશિત કરવામાં મદદ કરી હતી. તેમની રચનાઓમાં ‘કન્નન પટ્ટુ’, ‘કુયિલ પટ્ટુ’, ‘પંજલિ સબથમ્’, ‘વિનયગર નાનમણિમલાઈ’ તેમજ પતંજલિના યોગસૂત્ર અને ભગવદ્ગીતાનો તમિળ અનુવાદ જાણીતાં છે. 1949માં તેમના સાહિત્યનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. તેઓ જીવનનાં છેલ્લાં વર્ષો જે ઘરમાં રહેતા હતા એ ઘર તમિળનાડુ સરકારે ખરીદીને તેને ‘ભારતી ઇલમ’ નામ આપવામાં આવ્યું છે. તેમની સ્મૃતિમાં ‘સુબ્રમણ્યમ્ ભારતી પુરસ્કાર’ તેમજ ‘ભારતી યુવાકવિ પુરસ્કાર’ આપવામાં આવે છે. 1982માં કોઈમ્બતુરમાં ‘ભારતિયા યુનિવર્સિટી’ની સ્થાપના કરવામાં આવી. 11 સપ્ટેમ્બર, 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ‘સુબ્રમણ્યમ્ ભારતી ચૅર ઑફ તમિળ સ્ટડીઝ’ સ્થાપવાની જાહેરાત કરી છે. તેમના જીવન પરથી ‘ભારતી’ નામની તમિળ ફિલ્મ બનાવવામાં આવી જેને શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.
અનિલ રાવલ
