પ્રજા અને દેશની માલમિલકતને સહીસલામતીપૂર્વકનું રક્ષણ પૂરું પાડવું તે. બીજા શબ્દોમાં આપણે તેને સલામતી તરીકે પણ ઓળખી શકીએ. સામાન્ય રીતે દરેક દેશ તેની સુરક્ષા અને સલામતીને ખૂબ મહત્ત્વ આપે છે. જ્યારે નાગરિકો સુરક્ષા અનુભવતા હોય ત્યારે જ તેઓ અન્ય પ્રવૃત્તિ નિશ્ચિંતતાપૂર્વક કરી શકે. આમ સુરક્ષા કોઈ પણ દેશને માટે અત્યંત આવશ્યક હોય છે. તેથી દેશની અંદરની વિવિધ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત અને નિયમિત રીતે ચાલી શકે છે. સુરક્ષા નાગરિકોને નિર્ભય બનાવે છે અને કામ કરવા માટે સ્વસ્થ વાતાવરણ ઊભું કરે છે.

દેશની સીમાઓની સુરક્ષા કરતું લશ્કરી દળ
સામાન્ય રીતે સુરક્ષા બે પ્રકારની હોય છે : (૧) આંતરિક અને (૨) બાહ્ય. આંતરિક સુરક્ષા એટલે દેશની અંદરના વિસ્તારમાં પ્રવર્તતી સુરક્ષા. બાહ્ય સુરક્ષા એટલે સરહદો પરની સલામતી. વ્યક્તિઓ વ્યક્તિઓ વચ્ચે, વિવિધ સંગઠનો વચ્ચે કે પરસ્પરના વ્યવહારમાં સૌ પોતપોતાનું કામ સારી રીતે કરે અને બીજાના કામમાં અવરોધ, રુકાવટ કે વિઘ્ન ઊભું ન કરે તે જોવાનું કામ આંતરિક સુરક્ષા માટેના સંગઠનનું હોય છે. ગૃહરક્ષક-દળ સમેત પોલીસ-દળ આવું આંતરિક સુરક્ષાનું કામ કરે છે. સૌ નિયમો અને કાયદાઓનું પાલન કરે અને પ્રત્યેક કામમાં આગળ વધે તે માટેની દેખરેખ પોલીસતંત્ર રાખે છે. જરૂર પડે તો અને ત્યારે અવરોધ કે વિઘ્ન ઊભું કરવા પ્રયત્ન કરનારને તે રોકે છે – અટકાવે છે અને જરૂર ઊભી થાય તો તે માટે બળનો ઉપયોગ પણ કરે છે. આમ આંતરિક સુરક્ષા એટલે કાયદો અને વ્યવસ્થાની જાળવણી. સામાન્ય રીતે પોલીસતંત્ર આ કામ કરે છે. બીજા પ્રકારની સુરક્ષા તે બાહ્ય સુરક્ષા. દેશની સીમાઓ વિવિધ સ્વરૂપની હોય છે; જેમ કે, જમીન પરની સીમા, હવાઈ સીમા અને જળસીમા. બીજો કોઈ પણ દેશ આવી સીમાઓ તોડી અન્ય કોઈ દેશની સરહદોમાં ન પ્રવેશી શકે. જો બીજા કોઈ દેશની સીમામાં પ્રવેશવું હોય તો વિધિપૂર્વકની પરવાનગી લેવી પડે. દેશની સીમાઓ અંગે આંતરરાષ્ટ્રીય કાયદા હોય છે અને તે અનુસાર દેશની સીમાઓ નક્કી થઈ હોય છે. દેશની સીમા યા સરહદોના રક્ષણ માટે આથી લશ્કરની વ્યવસ્થા કરવી પડે છે. લશ્કરની ત્રણ પાંખો – ભૂમિદળ, હવાઈ દળ અને નૌકાદળ આ માટે નિભાવવામાં આવે છે. અહીં બીજી એક વાત નોંધવી જોઈએ. જો કોઈ પણ નાગરિકને એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો ત્યાં જવા માટે ‘પ્રવેશ-પરવાનગી’ એટલે ‘વિઝા’ મેળવવા અનિવાર્ય હોય છે. જો દેશનો કોઈ નાગરિક કોઈ પણ કારણસર દેશ છોડવા ચાહતો હોય તો તે માટે તેણે પરવાનગી મેળવવાની રહે છે. દેશ છોડવાની કાયદેસરની પરવાનગીને ‘પાસપૉર્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. આમ સલામતીના હેતુસર પ્રત્યેક દેશ ‘પાસપૉર્ટ’ અને ‘વિઝા’ની વ્યવસ્થા ઊભી કરે છે. તે માટે ખાસ ધારાધોરણો રાખવામાં આવે છે. જે તે પ્રકારની પરવાનગી મેળવ્યા પછી જ નાગરિક વિવિધ દેશોમાં આવ-જા કરી શકે છે.
રક્ષા મ. વ્યાસ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સુરક્ષા, પૃ. ૨૦)
