અમદાવાદ પછી ગુજરાતનું સૌથી મોટું શહેર. તે ૨૧° ૧૨´ ઉ. અ. અને ૭૨° ૫૦´ પૂ. રે. પર વસેલું છે. ‘સૂરત’ નામ સૂર્ય પરથી, ‘રાંદેર’નું નામ સૂર્યપત્ની રાંદલ પરથી, ‘તાપી’ નદીનું નામ સૂર્યપુત્રી તપતી પરથી અને ‘અશ્વિનીકુમાર’ વિસ્તારનું નામ સૂર્યપુત્ર અશ્વિનીકુમાર પરથી પડ્યું છે; એટલે કોઈ સૂર્યપૂજક જાતિ અહીં રહેતી હશે એવું માની શકાય. સૂરત ક્યારે વસ્યું એ વિશે નિશ્ચિતપણે કહી શકાતું નથી. દક્ષિણ ગુજરાતમાં તાપી નદીને કાંઠે પ્રાચીન કાળથી તે વસેલું છે. મૂળ સૂરત તો દરિયામહેલ, ફુરજા, શાહપોર, સોદાગરવાડ, નાણાવટ વગેરે વિસ્તારો પૂરતું મર્યાદિત હતું; પરંતુ ઈસુની ૧૫મી સદીના અંતમાં અથવા ૧૬મી સદીની શરૂઆતમાં મલિક ગોપી નામના હિંદુ અમીર અને અધિકારીએ ગોપીપુરા વસાવી તથા ગોપીતળાવ અને રાણીતળાવ બંધાવી તેનો વિકાસ કર્યો. ભૂતકાળમાં સૂરત ‘સોનાની મૂરત’ તરીકે જાણીતું હતું.

સૂરતના ડાયમંડ-બજારમાં તૈયાર થતા હીરા
આઝાદીની ચળવળમાં પણ સૂરતે મહત્ત્વનો ફાળો આપ્યો હતો. ૧૯૦૭માં કૉંગ્રેસનું ઐતિહાસિક અધિવેશન અહીં યોજાયું હતું. પાટીદાર આશ્રમ અને અનાવિલ આશ્રમ સૂરતની સ્વાતંત્ર્ય-ચળવળનાં બે મુખ્ય કેન્દ્રો હતાં : ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ. તેઓ ઘણી વખત સૂરત આવ્યા હતા. સૂરતના નોંધપાત્ર રાજકીય નેતાઓમાં કલ્યાણજી મહેતા, દયાળજી દેસાઈ, કનૈયાલાલ દેસાઈ, હિતેન્દ્રભાઈ દેસાઈ, ગોરધનદાસ ચોખાવાલા વગેરેને ગણાવી શકાય. ગુજરાતમાં સમાજ-સુધારાની ચળવળની શરૂઆત પણ સૂરતથી થઈ હતી. ૧૮૭૩માં ગુજરાતી ભાષાનો પહેલો કોશ નર્મદે આપ્યો. સુધારાયુગના અગ્રણી સાહિત્યકાર નર્મદનું મૂળસ્થાન સૂરત હતું. છેલ્લાં થોડાં વર્ષોમાં સૂરત શહેરની વસ્તી અને વિસ્તારમાં ઘણો વધારો થયો છે. સૂરત શહેરની વસ્તી ૬૩,૪૫,૦૦૦ (૨૦૨૪, આશરે) જેટલી છે. તેનો વિસ્તાર આશરે ૩૨૭ ચોકિમી. જેટલો છે. સૂરતની આબોહવા સમધાત રહે છે. ઉનાળા અને ચોમાસાની ૠતુ ભેજવાળી રહે છે. શિયાળો સમધાત હોય છે. ચોમાસામાં વરસાદ પડે છે. જિલ્લાનો સરેરાશ વરસાદ ૧૫૦૦થી ૨૦૦૦ મિમી. જેટલો પડે છે. તાપી અહીંની મુખ્ય નદી છે. વર્તમાનમાં સૂરત ‘હીરાની નગરી’ (ડાયમન્ડ સિટી) તરીકે પ્રસિદ્ધ છે. અહીં આર્ટ સિલ્ક, કાપડ, જરી અને હીરાના ઉદ્યોગો વિકસ્યા છે. હજીરા નજીક મોટાં કારખાનાંઓ આવેલાં છે. સૂરતમાં ભૌતિક સગવડ-સુધારા પણ દાખલ થયા છે. ટ્રાફિકને સરળ બનાવવા કેટલાક ફ્લાય ઓવરબ્રિજ બન્યા છે. તે ઉપરાંત અહીં નહેરુપુલ, સરદારપુલ, વિવેકાનંદપુલ આવેલા છે. રંગઉપવન, ગાંધી સ્મૃતિ ભવન, સરદાર સ્મૃતિ ભવન તથા ઇનડૉર સ્ટેડિયમમાં નાટકો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય તથા સરદાર વલ્લભભાઈ પટેલ સંગ્રહાલય પણ જાણીતાં છે.
અમલા પરીખ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સૂરત, પૃ. ૩૧)
