દક્ષિણ કોરિયા પ્રજાસત્તાકનું પાટનગર. તે ૩૭° ૩૩´ ઉ. અ. અને ૧૨૬° ૫૮´ પૂ. રે. પર હૅન (Han) નદીને કાંઠે વસેલું છે. આ શહેર દક્ષિણ કોરિયાનું સાંસ્કૃતિક, શૈક્ષણિક, આર્થિક, નાણાકીય, વહીવટી અને સામાજિક પ્રવૃત્તિઓનું મથક છે. તેનો વિસ્તાર આશરે ૬૦૬ ચોકિમી. જેટલો છે. તેની વસ્તી ૯૬,૦૦,૦૦૦ (૨૦૨૪, આશરે) જેટલી છે. ચૌદમી સદીના અંત વખતે જનરલ યી સોંગ્યીએ સેઉલની સ્થાપના કરેલી. ‘સેઉલ’નો અર્થ ‘પાટનગર’ થાય છે. યી સોંગ્યીએ સેઉલને કોરિયાનું પાટનગર કરેલું. ૨૦મી સદીના મધ્યકાળ પછી સેઉલ શહેરનો ખૂબ ઝડપી વિકાસ થયો છે. ૧૯૬૧થી પાર્ક ચુંગ હીએ દક્ષિણ કોરિયાનો વહીવટ પોતાને હસ્તક લીધો. ૧૯૭૯માં તે મૃત્યુ પામ્યો ત્યાં સુધી તેણે દેશના ઘણા ભાગોમાં ઉદ્યોગો સ્થાપ્યા અને તેમનો વિકાસ કર્યો. હજારો લોકો કામ મેળવવા અહીં સ્થાયી થયા અને સેઉલ વિસ્તરતું ગયું.

સેઉલ શહેર
દક્ષિણ કોરિયાનાં ઘણાં વહીવટી તથા ધંધાકીય કાર્યાલયો સેઉલમાં આવેલાં છે. શહેરના મધ્ય ભાગમાં બૅંકો, હોટેલો, દુકાનો, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ અને થિયેટરો આવેલાં છે. કોરિયાની બધી જ યુનિવર્સિટીઓ સેઉલમાં છે. તેમાં સેઉલ નૅશનલ યુનિવર્સિટી, કોરિયા યુનિવર્સિટી અને યોન્સેઈ યુનિવર્સિટી મુખ્ય છે. અહીં આવેલાં રાષ્ટ્રીય સંગ્રહાલય અને અર્વાચીન કલા-સંગ્રહાલય જોવાલાયક છે. સેઉલમાં અદ્યતન આવાસો, સરકારી કાર્યાલયોની ઇમારતો ઉપરાંત અનેક ઐતિહાસિક ઇમારતો પણ આવેલી છે. પૂર્વજોના સ્મારક તરીકે રાજા યી સાંગ્યીએ ૧૩૯૫માં બંધાવેલું ચોંગમ્યો શાહી મંદિર, ૧૪૦૫ના અરસામાં બંધાવેલો ચાંગદોક મહેલ તથા સિક્રેટ ગાર્ડન પ્રવાસીઓ માટે આકર્ષણનાં કેન્દ્રો છે. સેઉલનું રક્ષણ કરતા કોટના બે દરવાજા પણ જાણીતા છે. શહેરના મધ્ય વિભાગના નૈર્ૠત્યમાં હૅન નદીમાંના યોઈડો ટાપુ પર આવેલી આધુનિક ઇમારત ખાતે રાષ્ટ્રીય સંસદની કચેરી બેસે છે. શહેરના મોટા ભાગના લોકો સંયુક્ત આવાસી ફ્લૅટોમાં રહે છે. આવાસો હૅન નદીને કિનારે કે યોઈડો ટાપુ પર આવેલા છે. શહેરના ઘણાખરા લોકો સરકારનાં વહીવટી, ધંધાકીય તેમ જ ઔદ્યોગિક કાર્યાલયોમાં નોકરી કરે છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં ઇજનેરી તથા કાપડ, ખાદ્યપ્રક્રમણ, વીજળી-વીજાણુ, રસાયણો, યંત્રસામગ્રી, મોટરગાડીઓ, રેડિયો, ટેલિવિઝન-સેટ વગેરેના એકમોનો સમાવેશ થાય છે. દેશનાં મુખ્ય દૈનિકપત્રો તથા અન્ય સામયિકો પણ સેઉલથી પ્રકાશિત થાય છે. હૅન નદીના મુખ પર ઇન્કોન નામનું દરિયાઈ બંદર આવેલું છે. સેઉલમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. તે દેશનાં અન્ય શહેરો સાથે રેલમાર્ગે, સડકમાર્ગે તથા હવાઈ માર્ગે જોડાયેલું છે. ૧૯૮૬માં સેઉલમાં એશિયન રમતોત્સવ યોજાયો હતો. ત્યારબાદ ૧૯૮૮માં ઑલિમ્પિક રમતોત્સવ તથા ૨૦૦૨માં જાપાન સાથે સંયુક્ત રીતે ફૂટબૉલની ‘ફીફા’ વર્લ્ડ કપની સ્પર્ધા યોજાઈ હતી.
અમલા પરીખ
ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10
