સેવાગ્રામ (સેગાઁવ)


વર્ધા પાસે મહાત્મા ગાંધીના આશ્રમને કારણે જાણીતું થયેલું ગામ.

સેવાગ્રામ વર્ધાથી ૮ કિમી. દૂર છે. ૧૯૩૦માં ગાંધીજીએ દાંડીકૂચ આરંભી ત્યારે પ્રતિજ્ઞા કરી કે સ્વરાજ્ય લીધા વિના પાછા ફરી અમદાવાદમાં પગ નહિ મૂકે. આ પછી તેમણે અસ્પૃશ્યતાનિવારણના કાર્યનો આરંભ કર્યો. તેમના અનુયાયી જમનાલાલ બજાજે તેમને વર્ધામાં રહેવા આમંત્રણ આપ્યું. ૧૯૩૪માં ગાંધીજી વર્ધા ગયા. ત્યાં થોડો સમય વસવાટ કર્યો, પરંતુ તેમને ગામડું પસંદ હતું એટલે જમનાલાલ બજાજ પાસેથી ૧ એકર જમીન લઈને સેગાંવ પસંદ કર્યું. ગામ બહુ પછાત હતું. વસ્તી મુખ્યત્વે હરિજનોની હતી. સ્વચ્છતા પણ ન જેવી હતી. વિદર્ભમાં બીજું સેગાઁવ હોવાથી ઘણી વાર ગાંધીજીની ટપાલ ત્યાં જતી, એટલે એમણે ‘સેગાઁવ’ને બદલે ‘સેવાગ્રામ’ નામ રાખ્યું. ૧૯૩૬માં ગાંધીજી આ આશ્રમમાં રહેવા ગયા અને ત્યાંથી સેવાયજ્ઞ આરંભ્યો.

વર્ધા આશ્રમમાં જ્યાં ગાંધીજી રહેતા તે કુટિર

ગાંધીજી જે ઝૂંપડીમાં રહેતા હતા તેને ‘બાપુ કુટી’ નામ આપ્યું હતું. ગાંધીજીનાં અનુયાયી મીરાંબહેન પણ અહીં વસતાં હતાં. તે વખતે મહાદેવભાઈ દેસાઈ જે કુટિરમાં રહેતા તેનું નામ પછીથી ‘મહાદેવ કુટી’ રાખવામાં આવ્યું. કિશોરલાલ મશરૂવાળા જે કુટિરમાં રહેતા હતા તે ‘કિશોર-નિવાસ’ નામથી અત્યારે ઓળખાય છે. ૧૯૪૦ના વ્યક્તિગત સત્યાગ્રહ ને ૧૯૪૨ના ‘હિંદ છોડો’ આંદોલનની પૂર્વતૈયારી આ આશ્રમમાં થઈ હતી. આ નાના ગામમાં ગાંધીજીને મળવા વિશ્વના અનેક દેશોના આગેવાનો તથા મહાનુભાવો આવતા. ૧૯૪૨માં અમેરિકન પત્રકાર લૂઈ ફિશર આ આશ્રમમાં એક અઠવાડિયું રહ્યા હતા. બાપુ જેલમુક્તિ પછી ૧૯૪૪માં સેવાગ્રામ આશ્રમ આવ્યા હતા અને ૧૯૪૬માં ‘જમના કુટી’ને બાપુના આખરી નિવાસ તરીકે લાભ મળ્યો હતો. આજે પણ એ ‘આખરી નિવાસ’ તરીકે ઓળખાય છે. સેવાગ્રામના નિવાસીઓ માટે ગાંધીજીએ અગિયાર વ્રતનો આગ્રહ રાખ્યો હતો : સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, અસ્વાદ, અભય, અસ્પૃશ્યતાનિવારણ, જાતમહેનત, સર્વધર્મસમભાવ અને સ્વદેશી. બાપુ કુટી ખૂબ જ સાદગીપૂર્ણ હતી. બાપુ કુટીમાં માત્ર ચટાઈઓ પાથરેલી રહેતી. વાઇસરૉયના આગ્રહથી બાપુ માટે તેમાં ટેલિફોન મૂકવામાં આવેલો. મહાદેવભાઈ દેસાઈ, પ્યારેલાલજી અને રાજકુમારી અમૃતકૌર પણ અહીં રહેતાં. સામૂહિક ભોજનમાં ઘણી વાર બાપુ પોતે પણ પીરસતા. બાપુ એમના મેજ પર ત્રણ વાંદરાનું રમકડું રાખતા. રક્તપિત્તના રોગી પરચુરે શાસ્ત્રીજી માટે આશ્રમમાં એક કુટિર બાંધવામાં આવી હતી. બાપુ નિયમિત રીતે એમની સેવા માટે જતા. પ્રાર્થનાભૂમિમાં સવાર-સાંજ નિયમિત પ્રાર્થના થતી. બપોરના સમૂહકાંતણ થતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સેવાગ્રામ (સેગાઁવ), પૃ. ૪૨)