એકદળી વર્ગની તાડના કુળની વનસ્પતિ, જેનું ફળ મુખવાસમાં વપરાય છે.
સોપારીનું મૂળ વતન મલેશિયા છે. જૂના સમયમાં તે વસઈ પાસે આવેલા સોપારા બંદરે ઊતરતી હતી, તેથી તેનું નામ ‘સોપારી’ પડ્યું છે. ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઇન્ડોનેશિયામાં પણ તે ઊગે છે. સોપારીનું વૃક્ષ પાતળું અને ૧૨થી ૧૮ મી. જેટલું ઊંચું હોય છે. તેનાં કેટલાંક વૃક્ષો તો ૩૦ મી. જેટલી ઊંચાઈ ધરાવે છે. તેના થડ પર વીંટી આકારનાં વલયો હોય છે. થડની ટોચ ઉપર ૧.૨થી ૧.૮ મી. લાંબાં પીંછાકાર પર્ણોનો મુકુટ હોય છે. તેને નર તથા માદા પુષ્પો આવે છે. માદા પુષ્પો નર પુષ્પો કરતાં મોટાં હોય છે. તેમાંથી ૪.૦થી ૫.૦ સેમી. લાંબું અંડાકાર ફળ થાય છે. તે પાકે ત્યારે નારંગી કે સિંદૂરી લાલ રંગનું હોય છે. તે ફળ એક જ બીજ ધરાવે છે. આ બીજને સોપારી કહેવામાં આવે છે. સોપારી ૨થી ૪ સેમી. વ્યાસવાળી અને ભૂખરી બદામી હોય છે. તે અંદરથી રાતી-બદામી રેખાઓ અને સફેદ રંગની ગર્ભને પોષણ આપતી પેશી ધરાવે છે. આ પેશીને ભ્રૂણપોષ કહે છે.

સોપારીનું વૃક્ષ અને તેનું ફળ
સોપારીના વૃક્ષને ભેજવાળી ઉષ્ણ-કટિબંધીય આબોહવા જરૂરી છે. તે દરિયાની સપાટીથી ૧૦૦૦ મી.ની ઊંચાઈ સુધી ઊગે છે. તેને નાળિયેરીની વાડીમાં તેમ જ એલચી ફળ મરી સાથે વાવવામાં આવે છે. એક ઝાડ પરથી દર વર્ષે ફળના બેથી ત્રણ સમૂહો ઉત્પન્ન થાય છે. પ્રત્યેક સમૂહમાં ૧૫૦થી ૨૫૦ ફળ હોય છે. મોટાં ફળો ધરાવતા સમૂહમાં ૫૦થી ૧૦૦ ફળો હોય છે. પ્રતિવર્ષ ૨૦૦થી ઓછાં ફળો આપતાં વૃક્ષોનો નિકાલ કરવામાં આવે છે. ક્ચી સોપારીમાંથી મુખવાસમાં વપરાતી જાતજાતની મસાલેદાર સોપારી બનાવાય છે. તેનો મુખવાસ તરીકે અલગ રીતે કે પાન સાથે ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઔદ્યોગિક અને ઔષધીય હેતુઓ માટે પણ ઉપયોગ થાય છે. સોપારી કૃમિનો નાશ કરે છે. તે ચામડીના રોગોમાં પણ ક્મ લાગે છે. તે પેઢાં મજબૂત બનાવે છે અને શ્વાસને તાજો રાખે છે. તેના આયુર્વેદમાં વિવિધ રોગોના ઇલાજ માટે અનેક ઉપયોગો દર્શાવ્યા છે. તેના કુમળા પાનનો શાકભાજી અને સલાડ તરીકે ઉપયોગ થાય છે. નાળિયેરીની જેમ સોપારીના વૃક્ષના બધા ભાગોનો ઉપયોગ થાય છે. તેનું ઊંચું સોટા જેવું થડ માંડવો બાંધવાના કામમાં આવે છે. તેમાંથી નાના મછવા, તરાપા, પાણી કાઢવાનું દોરડું, લેખનની વસ્તુઓ, ફૂટપટ્ટીઓ, ટોપલીઓ, ચાલવા માટેની લાકડીઓ, હળના દાંડા, નાનાં ટેબલ વગેરે બને છે. સોપારીનો ઉપયોગ કાથો બનાવવામાં તથા રંગવાના કામમાં થાય છે. તેનાં પર્ણોમાંથી પ્યાલા અને થાળી બનાવવામાં આવે છે. આ ઉપરાંત ટ્રે, બૅગ અને પેટીઓ જેવી ઘરગથ્થુ ઉપયોગની વસ્તુઓ પણ બનાવાય છે. પર્ણનો ખાતર તરીકે ઉપયોગ થાય છે. તે શોભાની વનસ્પતિ તરીકે ઉદ્યાનોમાં ઉગાડાય છે. નાળિયેરીની જેમ સોપારી પણ પવિત્ર ફળ મનાય છે. તેનો પૂજામાં ઉપયોગ થાય છે. શુભ પ્રસંગે સોપારી વહેંચાય છે. સોપારીનું વધારે પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેમાં રહેલું ટૅનિન મોંના કૅન્સરનું પ્રેરક બળ બની શકે છે.
અંજના ભગવતી
ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦
