સોલી જહાંગીર સોરાબજી


જ. 9 માર્ચ, 1930 અ. 30 એપ્રિલ, 2021

પ્રખ્યાત નિર્ભીક ધારાશાસ્ત્રી અને ભારતના એટર્ની જનરલ સોલી સોરાબજીનો જન્મ મુંબઈમાં પારસી પરિવારમાં થયો હતો. પિતા જહાંગીર અને માતા પેરીન. તેમણે મુંબઈમાં ભરડા ન્યૂ હાઈસ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ અને ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં ભણતા હતા ત્યારે તેમને રોમન લૉ અને ન્યાયશાસ્ત્રમાં કિન્લોચ ફોર્બ્સ ગોલ્ડ મેડલ મળ્યો હતો. 1953થી 1970 સુધી મુંબઈની વડી અદાલતમાં વકીલાત કરી. તેઓ ભારતની સર્વોચ્ચ અદાલતના વકીલ હતા. તેઓ 1977થી 1980 સુધી ભારતના સૉલિસિટર જનરલ અને 9 ડિસેમ્બર, 1989થી 2 ડિસેમ્બર, 1990 સુધી એટર્ની જનરલ તરીકે નિયુક્ત થયા. એ પછી ફરીથી 7 એપ્રિલ, 1998થી પુનઃ પદ સંભાળ્યું. તેમણે અનેક કેસોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે કટોકટી દરમિયાન રાજકીય કેદીઓને કાયદાકીય સેવા પૂરી પાડી હતી. 1984નાં શીખ વિરોધી રમખાણોના પીડિતો માટેની નાગરિક ન્યાય સમિતિ માટે કાર્ય કર્યું. તેઓ ભારતના બંધારણના અર્થઘટનના નિષ્ણાત હતા. તેમણે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના અધ્યક્ષ તરીકે, લઘુમતી અધિકાર જૂથના કન્વીનર તરીકે, લઘુમતીઓના સંરક્ષણ માટે  સંયુક્ત રાષ્ટ્રમાં સબકમિશનના સભ્ય તરીકે, હેગ ખાતે કાયમી મધ્યસ્થ અદાલતના સભ્ય તરીકે, કૉમનવેલ્થ લૉયર્સ ઍસોસિયેશનના ઉપપ્રમુખ તરીકે કાર્ય કર્યું હતું. તેઓ ભારત-પાકિસ્તાન ફ્રૅન્ડશિપ સોસાયટીના સ્થાપક સભ્ય હતા. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે જેમાં, ‘ધ લૉ ઑવ્ ધ પ્રેસ સેન્સરશિપ ઇન ઇન્ડિયા’, ‘ધી ઇમરજન્સી, સેન્સરશિપ ઍન્ડ ધ પ્રેસ ઇન ઇન્ડિયા’, ‘ઇક્વાલિટી ઇન ધ યુ.એસ. ઍન્ડ ઇન્ડિયા’, ‘ચૅપ્ટર ઑન ધ કૉન્સ્ટિટ્યૂશન ઍન્ડ ધ ગવર્નર’નો સમાવેશ થાય છે. તેમણે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ક્ષેત્રે બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું. તેમને 1991માં પદ્મભૂષણ, 2002માં પદ્મવિભૂષણ, 2006માં જસ્ટિસ કે. એસ. હેગડે ફાઉન્ડેશન ઍવૉર્ડ અને 2006માં ઇન્ટરનેશનલ બાર ઍસોસિયેશનનો હ્યુમન રાઇટ્સ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.