જ. 19 જાન્યુઆરી, 1935 અ. 15 નવેમ્બર, 2020

બંગાળી સિનેમાના બહુમુખી પ્રતિભા ધરાવતા ખૂબસૂરત અભિનેતા સૌમિત્ર ચટ્ટોપાધ્યાયનો જન્મ બંગાળમાં થયો હતો. તેમને બાળપણથી જ નાટકો ભજવવાનો શોખ હતો. ઘરમાં જ ભાઈ-બહેનો તથા દોસ્તો સાથે મળીને નાટકો ભજવતા. વડીલોએ પણ આ માટે તેમને પ્રોત્સાહિત કર્યા. પિતા તેમના વ્યવસાય અંગે કૉલકાતા ગયા અને સૌમિત્ર પણ ત્યાં કૉલેજમાં અભ્યાસ કરવા ગયા. કૉલેજમાં તેમનો પરિચય સત્યજિત રે સાથે થયો, જે સમય જતાં ગાઢ દોસ્તીમાં પલટાઈ ગયો. ચલચિત્રક્ષેત્રે તેમનો ઉદય સત્યજિત રેના ‘અપૂર સંસાર’માં ભજવેલી ભૂમિકાથી થયો. ‘અપૂર સંસાર’ના તેમના અભિનયથી તેમને ખૂબ લોકપ્રિયતા મળી. તે પછી તેમને અન્ય સર્જકોનાં ચલચિત્રોમાં પણ કામ મળવા માંડ્યું. સાઠના દાયકામાં તે સમયના જાણીતા અભિનેતા ઉત્તમકુમારના પ્રતિસ્પર્ધી અભિનેતા તરીકે ખૂબ પ્રશંસા મળી. ‘અપરિચિત’ જેવા ચલચિત્રમાં તેમની ભૂમિકા ખૂબ વખણાઈ. ‘સ્ત્રી’, ‘દેવદાસ’, ‘ઝિંદેર બંદી’ જેવાં ચલચિત્રોમાં તેમણે ઉત્તમકુમારની સમકક્ષ ભૂમિકા કરી. તેમની અભિનયક્ષમતાથી વિશ્વભરના સમીક્ષકો, ફિલ્મસર્જકોનું ધ્યાન આકર્ષિત થયું. સત્યજિત રે સાથે લગભગ સાડા ત્રણ દાયકાની સફરમાં તેમનાં 28 ચલચિત્રોમાંથી 14માં સૌમિત્રએ પ્રમુખ ભૂમિકા નિભાવી જે સર્વ ભારતીય સિનેમાઉદ્યોગ માટે અમૂલ્ય ગણાય છે. તેમણે તેમની પ્રતિભાથી દર્શકોનાં દિલ જીત્યાં અને તેમને વૈશ્વિક ઓળખ મળી. તેમણે સત્યજિત રે ઉપરાંત મૃણાલ સેન, તપન સિંહા, તરુણ મજમુદાર સહિત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા નિર્દેશકો સાથે પણ કામ કર્યું. જોકે તેઓ રંગમંચ સાથે તો હંમેશાં જોડાયેલા રહ્યા. તેમની ભૂમિકાવાળાં નોંધપાત્ર ચલચિત્રોમાં ‘અપૂર સંસાર’ ઉપરાંત ‘સાત પાકે બાંધા’, ‘ચારુલતા’, ‘અપરિચિત’, ‘અભિજાન’, ‘ગણદેવતા’, ‘સમાપ્તિ’, ‘ઘરે-બાહિરે’, ‘સ્વયંવરા’, ‘ઉર્વશી’, ‘વસુંધરા’, ‘ક્ષુધિત પાષાણ’, ‘અભિમન્યુ’ વગેરેનો સમાવેશ થાય છે. તેઓ ગુરુદેવ ટાગોરના ભક્ત હતા. તેઓ પોતે કાવ્યો લખતા. તેમનું પ્રથમ પુસ્તક ‘જલપ્રપાતેર ધારે દાડાવ બોલે’ 1974માં પ્રગટ થયું હતું. તેમને પદ્મભૂષણ અને દાદાસાહેબ ફાળકે જેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શુભ્રા દેસાઈ
