સૌર-ઊર્જા (સોલર ઍનર્જી)


સૂર્ય દ્વારા ઉત્સર્જિત થતી ઊર્જા. સૌર-ઊર્જામાં પ્રકાશ, ઉષ્મા તથા વિદ્યુત-ચુંબકીય વિકિરણનાં સ્વરૂપોનો સમાવેશ થાય છે. સૂર્યની મધ્યમાં અવિરતપણે સંલયન(ફ્યૂઝન)ની ન્યૂક્લિયર-પ્રક્રિયાઓ ચાલતી હોય છે, જેમના કારણે વિપુલ ઊર્જાનું ઉત્પાદન થાય છે. આખા વર્ષ દરમિયાન પૃથ્વી પર લોકો જેટલી ઊર્જાનો ઉપયોગ કરે છે તેટલી ઊર્જા સૂર્ય પૃથ્વી પર ફક્ત ૪૦ મિનિટમાં જ આપાત કરે છે. આમ પૃથ્વી ઉપર પહોંચતી સૌર-ઊર્જાનો થોડો ભાગ જ આપણે વાપરીએ છીએ. સૌર-ઊર્જા પૃથ્વીની સપાટી પર પહોંચે તે પહેલાં વાતાવરણમાં પરાવર્તન, પ્રકીર્ણન અને શોષણ દ્વારા ક્ષીણ થાય છે. તેમાંથી પારજાંબલી અને અધોરક્ત ઊર્જાની તીવ્રતા બહુ ઓછી થઈ જાય છે; તેમ છતાં પૃથ્વીની સપાટી પર દર વર્ષે મળતું સૌર-વિકિરણ વિશ્વની ઊર્જા-વપરાશ કરતાં ૧૦,૦૦૦-ગણું વધારે હોય છે. સૌર-ઊર્જામાંથી ઉષ્મા પ્રાપ્ત કરી તે ઉષ્માનો  ઉદ્યોગો અને ઘરવપરાશ માટે પ્રાયોગિક ધોરણે ઉપયોગ થાય છે. હરિત ગૃહો(green house)માં સૂર્યની ઉષ્માનો વપરાશ થાય છે. મકાનની અગાસી કે છાપરા પર સોલર પૅનલો મૂકી તેમાં પાણીની નળીઓમાં સૂર્યની ગરમી શોષી લેવાય છે. ગરમ પાણીનો પાણીની ટાંકીમાં સંગ્રહ કરવામાં આવે છે.

સોલર પ્લાન્ટ દ્વારા સૌર-ઊર્જાનું ઉત્પાદન

ક્યારેક સૂર્ય-ભઠ્ઠીમાં સૂર્યની ગરમીને વિદ્યુતમાં ફેરવાય છે. વક્ર અરીસાનો ઉપયોગ કરી સૂર્યની ગરમીથી વિદ્યુત-ભઠ્ઠીમાં પાણીને વરાળમાં ફેરવાય છે. તે વરાળથી વીજળીઘરમાં ટર્બાઇન ફેરવી વિદ્યુતનું ઉત્પાદન કરાય છે. સૌર-વીજકોષ દ્વારા સીધી રીતે પણ વીજપ્રવાહ ઉત્પન્ન કરી શકાય છે. સૌર-વીજકોષ અતિ શુદ્ધ સિલિકોનની પાતળી પટ્ટીઓથી બનાવવામાં આવે છે. સિલિકોન રેતીમાંથી મળી આવે છે. બે જુદા પ્રકારની સિલિકોનની પટ્ટીઓ પર જ્યારે સૂર્યપ્રકાશ પડે છે ત્યારે વિદ્યુત ઉત્પન્ન થાય છે. આ રીતે ખૂબ અલ્પ પ્રમાણમાં વિદ્યુત ઉત્પન્ન થાય છે, પણ  જ્યારે આવા અનેક વિદ્યુતકોષ હારોહાર લગાડ્યા હોય ત્યારે તેમાંથી ખાસી મોટી માત્રામાં વિદ્યુત પેદા થાય છે. સૌર-વિદ્યુતકોષ હાલમાં બનાવવા ઘણા ખર્ચાળ છે, પણ હવે ધીમે ધીમે તેનું ઉત્પાદન ઓછી કિંમતમાં થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. અવકાશમાં ઊડતાં અવકાશયાનનાં મોટાં પાંખિયાંઓ પર સૌર-કોષવાળી પૅનલો લગાડવામાં આવે છે. જેના વડે વિદ્યુત-ઊર્જા ઉત્પન્ન થાય છે અને તેની મદદથી અવકાશયાનો ચાલે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સેવાગ્રામ સૌર-ઊર્જા, પૃ. ૫૩)