સરદાર વલ્લભભાઈ પટેલની તેમના લોખંડી વ્યક્તિત્વને શોભે તેવી, વિશ્વની ઊંચામાં ઊંચી (૧૮૨ મીટર + ૫૮ મીટરની પડથાર : ઈ. સ. ૨૦૧૮ સુધીમાં), ગુજરાત (ભારત)માં આવેલી પ્રતિમા. આ પ્રતિમા બનાવવા પાછળનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હેતુ વલ્લભભાઈએ રાષ્ટ્રનિર્માણમાં જે મહાન યોગદાન આપ્યું હતું તેની યાદગીરી જળવાય અને વિશ્વને તેની જાણ થતી રહે એ રહ્યો છે. આ પ્રતિમા નોઇડાના શિલ્પકાર રામ સુથાર અને તેમના પુત્ર અનિલ સુથારે તૈયાર કરી છે. ઐતિહાસિક, સાંસ્કૃતિક, રાષ્ટ્રીય અને આધ્યાત્મિક દૃષ્ટિએ અણમોલ એવી આ પ્રતિમા ૧૩૮ મીટર ઊંચા સરદાર સરોવર બંધથી ૩.૨ કિમી. દૂર, વિંધ્યાચલ અને સાપુતારાની ટેકરીઓની વચ્ચે, રાજપીપળાની નજીક આવેલા સાધુ બેટ ઉપર સમુદ્રની સપાટીથી ૨૩૭ મીટરની ઊંચાઈએ આવેલી છે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ તરફથી આ કાર્યનું આયોજન થયું હતું. માઇકલ ગ્રેવ્સ આર્કિટૅક્ચર ઍન્ડ ડિઝાઇનર્સ, ટર્નર કન્સ્ટ્રક્શન અને લાર્સન ઍન્ડ ટુબ્રોએ સાથે મળીને આ પ્રતિમા બનાવી છે. ૨,૯૮૯ કરોડના ખર્ચે તૈયાર થયેલી આ પ્રતિમા ૬.૫ રિક્ટર સ્કેલના ભૂકંપ સામે તેમ જ ૨૨૦ કિમી.ની ઝડપે ફૂંકાતા પવન સામે ટકી રહે તેવી મજબૂત છે. આ પ્રતિમા ૪,૦૦૦ કારીગરોની દિવસરાતની મહેનતનું પરિણામ છે. આ પ્રતિમાના નિર્માણમાં ૯૦ હજાર મેટ્રિક ટન સિમેન્ટ અને ૨૫ હજાર મેટ્રિક ટન લોખંડનો ઉપયોગ થયો છે. ૨૫૦ જેટલા ઇજનેરોનું આ કાર્યમાં યોગદાન રહ્યું છે.

‘સ્ટેચ્યૂ ઑવ્ યુનિટી’ની પ્રતિમા
આ પ્રતિમા વલ્લભભાઈનું વજ્ર જેવું કઠોર મનોબળ છતાં કુસુમ જેવું કોમળ હૃદય દર્શાવતા હાવભાવ તેમ જ તેમની ઊભા રહેવાની ઢબ-છટા તેમના આત્મવિશ્વાસભર્યા પ્રભાવક વ્યક્તિત્વને સુપેરે વ્યક્ત કરે છે. ઊંચું મસ્તક, ખભા પરથી ઝૂલતી શાલ અને બંને હાથની રચના એવી કરવામાં આવી છે કે જાણે વલ્લભભાઈ હમણાં હાલવાચાલવા ને બોલવા લાગશે એવું જોનારને થાય ! ચીનની જિયાન્ગ્ક્સી ટોક્વીન કંપનીની ટીક્યૂ આર્ટ ફાઉન્ડ્રી દ્વારા પ્રતિમાને અંદરથી કૉંક્રીટ તેમ જ ધાતુના માળખાથી તૈયાર કરવામાં આવી છે અને એને બહારથી કાંસ્ય ધાતુથી મઢવામાં આવી છે. અહીં ૧૫૨ ઓરડા ધરાવતી થ્રી સ્ટાર હોટલ છે, ઑડિટોરિયમ છે, લાઇટ ઍન્ડ સાઉન્ડ શો ધરાવતી ગૅલરીઓ છે અને સરદારશ્રીના જીવનકાર્યની ઝાંખી ધરાવતું સંગ્રહાલય છે. આ ઉપરાંત આ પરિસરમાં વેલી ઑવ્ ફ્લાવર, રોપ-વે, અન્ય રાજ્યોનાં ભવનો અને આદિવાસી સંગ્રહાલય (ટ્રાઇબલ મ્યુઝિયમ) છે. વળી સ્થાનિક આદિવાસી યુવાનોને ગાઇડની કામગીરીની તાલીમ આપવાની યોજના પણ છે. લગભગ ૧૫૭ મીટરની ઊંચાઈએ, ૨૦૦ વ્યક્તિ સમાઈ શકે તેવી મુલાકાતીઓ માટેની ગૅલરી બનાવવામાં આવી છે. આ યોજનાની સૌપ્રથમ જાહેરાત ૭ ઑક્ટોબર, ૨૦૧૦ના રોજ થયેલી. આ પ્રતિમા માટેનું ભૂમિપૂજન તત્કાલીન ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૩૧ ઑક્ટોબર, ૨૦૧૩ના દિવસે થયું હતું અને બરોબર પાંચ વર્ષ પછી ૩૧ ઑક્ટોબર, ૨૦૧૮ના રોજ, સરદાર વલ્લભભાઈની ૧૪૩મી જન્મજયંતીના દિવસે, ભારતના વડાપ્રધાન તરીકે તેમના જ હસ્તે તેનું લોકાર્પણ પણ થયું.
શ્રદ્ધા ત્રિવેદી
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સ્ટેચ્યૂ ઑવ્ યુનિટી, પૃ. ૬૬)
