સ્વયંસંચાલન


આપમેળે નિયંત્રિત રીતે કાર્યો થાય તેવી વ્યવસ્થા.

ઉત્પાદનક્ષેત્રે અનેક પરિવર્તનો થતાં રહ્યાં છે. તેમાં સ્વયંસંચાલન એ ખૂબ મહત્ત્વની શોધ છે. ઉત્પાદનક્ષેત્રે મોટા જથ્થાના ઉત્પાદનમાં તેમ જ નાના ઉત્પાદનમાં સ્વયંસંચાલન એ મોટી ક્રાંતિ ગણાય છે. મોટા ભાગે કારખાનામાં યંત્રોમાં તથા યંત્રોનું સંચાલન કરનાર તંત્રમાં સ્વયંસંચાલનનો ઉપયોગ થાય છે. એક યંત્રને ચાલુ કરવામાં આવે ત્યાર પછી તેનું કામ પૂરું થતાં એની મેળે બંધ થઈ જાય. કામમાં ભૂલ થાય તો જાતે સુધારી લે અથવા યંત્રને અટકાવી દે અથવા વધુ જરૂરી હોય તો ચેતવણીની સાયરન વગાડે – આ બધું સ્વયંસંચાલનને આભારી છે. પ્રારંભે માનવ બધાં કામો પોતાના હાથથી કરતો. ધીમે ધીમે સમય જતાં તે હાથની સાથે મગજનો ઉપયોગ કરતો થયો. તેણે તેના કામમાં મદદરૂપ થાય તેવાં ઓજારો બનાવવાનું શરૂ કર્યું. અનેક વર્ષોના ગાળામાં માણસ સાદાં યંત્રોથી માંડીને ઢાળ, ગરગડી, સ્ક્રૂ, ચક્ર, ઉચ્ચાલન વગેરે બનાવતો થયો. વરાળયંત્રને કારણે યંત્રો નજીવા શ્રમથી વધુ ઝડપી બન્યાં. વીજળીશક્તિ અને વીજાણુશક્તિની શોધોએ અનેક યંત્રો આપમેળે ચાલે તેવી સુવિધા કરી આપી.

પ્રોગ્રામેબલ ઑટોમેશનમાં પ્રોગ્રામ દ્વારા કરાતું કાર્ય

સ્વયંસંચાલન એ ઉત્ક્રાંતિકારી બાબત છે. ઔદ્યોગિક ક્રાંતિમાં માનવકાર્ય મશીન વડે થતું ગયું ત્યારથી જ મશીન દ્વારા સ્વયંસંચાલનનો પ્રારંભ થયો. સ્વયંસંચાલનની રીતો ઇલેક્ટ્રિકલ, મિકૅનિકલ, ઇલેક્ટ્રૉનિકલ, ન્યૂમેટિક (વાતીય) કે તેમાંની એકથી વધુના સંયુક્ત રૂપે હોઈ શકે. અત્યારના સમયમાં ઇલેક્ટ્રૉનિક્સનો ઉપયોગ કરતી રીતોનો ઉપયોગ વધી રહ્યો છે. સ્વયંસંચાલિત ઉત્પાદન બે પ્રકારનું હોઈ શકે – નિશ્ચિત (fixed) પ્રકારનું કે જેમાં ફેરફાર કરી શકાય નહિ અથવા તો તે કરવો મુશ્કેલ બને અને બીજું પ્રોગ્રામેબલ ઑટોમેશન. નિશ્ચિત સ્વયંસંચાલન એ મિકૅનિકલ, ઇલેક્ટ્રિકલ કે ન્યૂમેટિક સાધનોથી થાય છે અને તેને ‘Hard Automations’ કહેવાય છે. પ્રોગ્રામેબલ ઑટોમેશનમાં પ્રોગ્રામ દ્વારા મશીન પર કરવાનાં બધાં કાર્યોનો અનુક્રમ તથા દરેકને લાગતો સમય નક્કી થાય છે. ઇલેક્ટ્રૉનિકલ ઉપકરણો અને કમ્પ્યૂટર દ્વારા પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે છે. પ્રોગ્રામ સહેલાઈથી બદલી શકાય છે. પ્રોગ્રામેબલ ઑટોમેશન એ ‘Soft Automation’ કહેવાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સ્વયંસંચાલન, પૃ. 91)